Get The App

ચૂંટણી ટાણે જ ભાવોમાં ભડકો : કાંદા 80 રુપિયે, લસણ 500 રુપિયે કિલો

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
ચૂંટણી ટાણે જ ભાવોમાં ભડકો : કાંદા 80 રુપિયે, લસણ 500 રુપિયે  કિલો 1 - image


ચૂંટણીમાં બીજા બધા મુદ્દા બાજુ પર રહી જાય તેવી સ્થિતિ

લીલા વટાણા 250 રૃપિયે કિલો : વધતા ભાવો વિશે મતદારોનો સવાલોથી ઉમેદવારો ટેન્શનમાં 

મુંબઇ :  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ ભાવમાં ભડકાથી ભલભલા લોકો દાઝવા માંડયા છે. રિટેલમાં કાંદા ૮૦ રૃપિયે કિલો અને લસણનો તો ભાવ વધીને ૫૦૦  રૃપિયે કિલો પર પહોંચ્યો છે. શિયાળાની શરુઆતમાં શાક સસ્તાં થવાં જોઈએ તેને બદલે મોંઘા થઈ રહ્યા ંછે. સાર્વત્રિક વધી રહેલી મોંઘવારીમાં અન્ય તમામ ચૂંટણી મુદ્દા કોરાણે મૂકાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

ભાવવધારાના ધૂણવા માંડેલા ભૂતને લીધે બધા જ પક્ષોના ઉમેદવારો ટેન્શનમાં આવી ગયા છે. કારણ કે વોટ માગવા જાવ ત્યાં સૌથી પહેલાં તો શાકભાજીથી માંડીને દરેક ચીજની વધતી કિંમતના રોષપૂર્વક પૂછતા સવાલોનો સામવો કરવો પડે છે.

ચોમાસાની વિદાય ટાણે પડેલા જોરદાર વરસાદને કારણે કાંદાના પાકને નુકસાન થવાથી માર્કેટોમાં કાંદાની આવક સતત ઘટવા માંડી છે. એટલે ભાવ ઉંચે જવા માંડયા છે. એક અઠવાડિયા પહેલા નવી મુંબઇની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ને કાંદા- બટેટા બજારમાં કાંદા ૧૮થી ૪૮ રૃપિયે કિલોના ભાવે વેંચાતા હતા. અત્યારે જથ્થાબંધમાં એ જ કાંદા ૩૫થી ૬૨ રૃપિયે કિલો વેંચવા માંડયા છે. પરિણામે રિટેલ માર્કેટમાં સારી ક્વોલિટીના કાંદા ૭૫થી ૮૦ રૃપરિયે વેંચાઇ રહ્યા છે. હદી બે અઠવાડિયા ભાવ ઉંચા જ રહેશે.

લસણના ભાવમાં વિક્રમી વધારો થયો છે. બુધવારે એપીએમસીમાં લસણનો જથ્થાબંધ ભાવ ૨૨૦થી ૩૨૦ રૃપિયે કિલો હતો. રિટેલ માર્કેટમાં આ જ લસણ ૫૦૦ રૃપિયે કિલો વેંચાવા માંડયું છે. નવા વર્ષે નવો પાક બજારમાં નહી આવે ત્યાં સુધી ભાવમાં ઘટાડાની શક્યતા નથી.

નવી મુંબઇ ભાજીપાલા માર્કેટમાં વટાણા ૧૬૦થી ૨૦૦ રૃપિયે કિલો વેંચાય છે. જ્યારે શહેર અને ઉપનગરોની રિટેલ શાક માર્કેટોમાં વટાણા ૨૫૦ રૃપિયે કિલો વેંચાવા માંડયા છે. સરગવાની શિંગનો ભાવ ૧૩૦ રૃપિયા પર પહોંચ્યો છે. 

ટેમ્પોમાં વેંચવા આવનારા ભીના અને સડેલા કાંદા પધરાવે છે

મુંબઇ, તા.૮ ઃ કાંદાના પાકને વરસાદે નુકસાન પહોંચાડયા પછી ઘણા ભેજાબાજો નાસિક બાજુથી ટેમ્પો ભરી ભરીને મુંબઇ વેંચવા આવવા માંડયા છે. ૧૦૦ રૃપિયે પાંચ કિલોના ભાવે થેલીમાં પેક કરેલા કાંદાનું વેચાણ કરવામાં આવે છે. આમાં ઉપરના ભાગમાં થાડા સારા કાંદા રાખેલા હોય છે જ્યારે અંદર ભીના અને રીતસર સડેલા કે કાળા પડી ગયેલા કાંદા હોય છે. આજે ઘાટકોપર પૂર્વના વિસ્તારોમાં કાંદાનું ઝડપથી વેંચાણ કરીને ફટાફટ ટેમ્પોવાળા રવાના થઇ ગયા પછી કેટલાય લોકો પસ્તાયા હતા. કારણ કે અડધોઅડધ કાંદા બગડેલા નીકળ્યા હતા. જો કે કાંદાનો ભાવ ૭૫થી ૮૦ રૃપિયા થઇ ગયો હોવાથી લોકોએ બગડેલા કાંદા ના છૂટકે ખરીદવા પડે છે.



Google NewsGoogle News