મુંબઇમાં ટમેટાની ભરપૂર આવક સાથે ભાવ ગગડયા : કાંદા પણ સસ્તા
થોડા વખત પહેલાં ટમેટાની કિંમતે સેન્ચુરી વટાવી હતી
નવી મુંબઇમાં રોજ કાંદા ભરીને આવતી 100થી વધુ ટ્રક ઠલવાય છે, ભાવોમાં હજુ ઘટાડો થશે
મુંબઇ - મુંબઇમાં થોડા વખત પહેલાં ટમેટાની કિંમતે સેન્ચુરી વટાવી હતી ત્યારે ભાવ સાંભળીને સામાન્ય લોકોનો ચહેરો લાલચોળ થઇ જતો હતો. જ્યારે છેલ્લાં થોડા દિવસ દરમિયાન મુંબઇમાં ટમેટાની ઢગલાબંધ આવક થવા માંડતા ભાવ ગગડવા માંડયા છે. અત્યારે સારી ક્વોલિટીના ટમેટા ૧૫થી ૨૦ રૃપિયે કિલો વેંચાવા માંડયા છે.
નવી મુંબઇની એપીએમસીની ભાજીપાલા માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના ટમેટા ઉત્પાદક વિસ્તારોમાં ટમેટાનો ભરપૂર પાક ઉતર્યો છે, એટલે ટ્રકો ભરી ભરીને ટમેટાની આવક થવા માંડી છે. આને કારણે ભાવ નીચા જવા માંડયા છે. ટમેટાનો જથ્થાબંધ ભાવ ક્વિન્ટલના (૧૦૦ કિલો) ૧૨૦૦ રૃપિયાની આસપાસ હતો. એટલે ૧૨ રૃપિયે કિલો કહેવાય. જ્યારે રિટેલ બજારમાં ટમેટાનો ભાવ ૧૫થી ૨૦ રૃપિયે કિલોની આસપાસ બોલાય છે. હવે તો પરાં વિસ્તારમાં પુણે બાજુથી ટેમ્પો ભરી ભરીને ટમેટા વેંચવાવાળા આવવા માંડયા છે. ઉપરાંત દાદર, લોઅરપરેલ માટુંગા વગેરે વિસ્તારોમાં 'લો સસ્તા ટમેટા'... એવી ટહેલ નાખતા લારીઓ લઇને કેટલાય ફેરિયાઓ ટમેટા વેંચવા નીકળી પડે છે.
ભાજીપાલા માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે ટમેટા ઝડપથી બગડી જતા હોવાથી બનતી ઝડપે વેંચી નાખવા પડે છે. નહીંતર ટમેટા બગડી જાય અને સડી જાય ત્યારે નાછૂટકે ફેંકી દેવા પડે છે. એટલે ફેંકી દેવાને બદલે જે ભાવ મળે એમાં વેંચી નાખવાનું જ ખેડૂતો પસંદ કરે છે. બીજી બાજુ મહિનાઓ સુધી કાંદાના ભાવે લોકોને રડાવ્યા હતા. જ્યારે હવે નવા કાંદાની પૂરજોશમાં આવક શરૃ થતાની સાથે જ ભાવ ઘટવા માંડયા છે. થોડા દિવસો પહેલાં કાંદા ૮૦થી ૧૦૦ રૃપિયે કિલો વેંચાતા તેને બદલે અત્યારે ૪૦થી ૫૦ રૃપિયે કિલોના ભાવે રિટેલમાં વેંચાય છે. આમ કાંદાના ભાવમાં અડધોઅડધ ઘટાડો થવાથી સામાન્ય લોકોએ ઘણી રાહત અનુભવી છે.
નવી મુંબઇ એપીએમસીની કાંદા- બટેટા બજારના વેપારીએ જણાવ્યું હતું કે હોલસેલમાં સામાન્ય ક્વોલિટીના કાંદાનો ભાવ ૨૫થી ૩૦ રૃપિયે કિલો અને એકદમ સારી ક્વોલિટીના કાંદાનો ભાવ ૩૦થી ૩૫ રૃપિયે કિલો છે. ભાવ હજી પણ નીચા આવશે. જ્યારે રિટેલમાં કાંદા ૪૦થી ૫૦ રૃપિયે કિલો વેંચાય છે.
વેપારીના જણાવ્યા મુજબ દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક મથક ગણાતા નાસિક જિલ્લામાંથી દરરોજ ૧૦૦થી વધુ ટ્રક ભરીને કાંદા આવવા માંડયા છે. એટલે માર્કેટમાં રીતસર કાંદાના ઢગલા થવા માંડયા છે. કાંદા પરની એકસ્પોર્ટ ડયુટી સંપૂર્ણ પણે નાબૂદ થઇ ન હોવાથી નિકાસ ઓછી થાય છે. એટલે ઘરઆંગણે માલનો ભરાવો થવા માંડતા ભાવ ઘટવા માંડયા છે. કાંદાના ભાવ હજી ઘટે એવી શક્યતા છે.