પ્રદૂષણ સર્જાય પછી નાથવાને બદલે સર્જાતું જ અટકાવોઃ હાઈકોર્ટ
તમામ કાયદાઓ કાગળ પર છે તેનો અમલ થવો જરૃરી
મુંબઈમાં હાલ હવા ચોખ્ખી લાગે છે પણ થોડા સમયમાં જસ્થિતિ ફરી વણસશે : ઉદ્યોગોનું ઓડિટ કરવા પ્રદૂષણ બોર્ડને નિર્દેશ
મુંબઈ : મુંબઈ શહેરમાં વાયુ પ્રદૂષણને હાથ ધરવાનો અભિગમ ઉપચારાત્મક નહીં પણ પ્રતિબંધાત્મક હોવો જોઈએ, એમ બોમ્બે હાઈ કોર્ટે શહેરની પરિસ્થિતિને તાકીદની ગણાવી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ ઉપાધ્યાય અને ન્યા. કુલકર્ણીની બેન્ચે જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણ અંગેના કાયદો અને નિયમો અસ્તિત્વમાં છે પણ હવે તેનો અમલ જરૃરી છે. શહેરમાં વાયુની ગુણવત્તા સંતોેષકારક હોઈ શકે પણ થોડા મહિનામાં ફરી નબળી થઈ જશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
ગત ડિસેમ્બરમાં શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અંગે કોર્ટમાં થયેલી અરજીઓની સુનાવણી થઈ રહી હતી. સોમવારે કોર્ટે નોંધ કરી હતી કે ઉદ્યોગો અને જાહેર પ્રકલ્પોમાં વારંવાર નિરીક્ષણ થવું જોીએ જેથી વાયુ પ્રદૂષણના નિયમોનું પાલન થઈ શકે.
હવે આપણે અભિગમ બદલવો પડશે. ઉપચારાત્મક નહીં પણ પ્રતિબંધાત્મક હોવો જોઈએ. તરસ લાગે ત્યારે કુવો ખોદવો જોઈએ નહીં. હવે આ તાકીદની સ્થિતિ છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
હાલ બધુ કાગળ પર છે. નિયમો અને કાયદા છે પછી શા માટે આ બધું સહન કરવું પડે છે? એમ કોર્ટે સવાલ કર્યા હતા. કોર્ટેે નોંધ્યું હતું કે માત્ર યાંત્રિક ઢબે આદેશ આપવો પુરતું નથી. આ સમસ્યા પર ધ્યાન આપવા કોર્ટને સાંકળવાને બદલે કાનૂની યંત્રણા હોવી જોઈએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ફરજ છે કે તમામ ઉદ્યોગો અને પબ્લિક પ્રોજેક્ટ નિયમોનું પાલન કરે એની તકેદારી લેવામાં આવે. વારંવાર નિરીક્ષણ અને દેખરેખ હોવી જોઈએ. રાત્રિના સમયે ઉદ્યોગોમાંથી થતા પ્રદૂષણની સમસ્યા સવારના ભાગમાં વાયુ પ્રદૂષણ કરે છે.
ભૂતકાળમાં ઉદ્યોગો શહેરની હદની બહાર રહેતા પણ વિકાસ સાથે એની આસપાસ રહેણાંક આવાસો બની ગયા છે. સરકાર પાસે એવી કોઈ નીતિ છે જેનાથી ઉદ્યોગોને અમુક ઝોનમાં ખસેડી શકાય? એવો પણ સવાલ કોર્ટે કર્યો હતો.
સરકાર વતી એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કે અગાઉના આદેશ અનુસાર સાત સરકારી પ્રકલ્પોનું નિરીક્ષણ કરીને યોગ્ય પગલાં લેવાયા હતા.હવે બધું બરાબર થઈ ગયું છે અને ખામી દૂર કરાઈ છે.
કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ઉદ્યોગોનં ઓડિટિંગ તાત્કાલિક ધોરણે શરૃ કરવા જણાવીને સુનાવણી ૨૦ જૂન પર રાખી છે.