Get The App

અમેરિકા ભારત પાક મેચ જોવા ગયેલા મુંબઈ ક્રિકેટ એસો.ના પ્રમુખનું નિધન

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
અમેરિકા ભારત પાક મેચ જોવા ગયેલા મુંબઈ  ક્રિકેટ એસો.ના પ્રમુખનું નિધન 1 - image


મેચ પૂરી થયા બાદ અમોલ કાલેનું હૃદય બંધ પડી ગયું

2 મિત્રો સાથે મેચ જોતા હોવાની તસવીર વાયરલઃ 47 વર્ષીય કાલે હજુ 2 વર્ષ પહેલાં જ એમસીએના પ્રમુખ બન્યા હતા

મુંબઈ :  ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી ૨૦ વર્લ્ડ કપની મેચ જોવા અમેરિકા ગયેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલેનું રવિવારે ન્યૂયોર્કમાં કાર્ડિઆક એરેસ્ટથી નિધન થયું હતું. મેચ પૂર્ણ થયા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી અને હૃદય ધબકતું બંધ થઈ જતાં અચાનક જ મૃત્યુ નીપજ્યું હતું. ૪૭ વર્ષીય કાલેના અકાળે અવસાનથી મુંબઈના ક્રિકેટ જગતમાં ભારે શોક છવાયો છે. 

કાલે તથા મુંબઈ ક્રિકેટ બોર્ડના સેક્રેટરી અજિન્ક્યા નાયક તથા  એપેક્સ કાઉન્સિલના સભ્ય  સૂરજ સમત સ્ટેડિયમમાં મેચ માણી રહ્યા હોય તેવી સોશિયલ મીડિયા પરની તેમની તસવીર પણ વાયરલ થઈ છે. 

૪૭ વર્ષીય અમોલ કાલે વર્ષ ૨૦૨૨માં મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા હતા. એમસીએની ચૂંટણીમાં તેમણે પીઢ ક્રિકેટર સંદીપ પાટીલને હરાવ્યા હતા અને  પ્રમુખ બન્યા હતા. આ ચૂંટણીમાં શરદ પવાર તથા દેવેન્દ્ર ફડણવીસના જૂથે સમજૂતી સાધી લેતાં કાલે ચૂંટાઈ આવ્યા હતા. કાલે દેવેન્દ્ર ફડણવીસના બહુ નિકટવર્તી ગણાતા હતા. 

નાગપુરના મૂળ રહેવાસી અમોલ કાલે એક દશકથી વધુ સમયથી મુંબઈમાં સ્થાયી થયા હતા. તેમના નેતૃત્વમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈને ભારી સફળતા મળી હતી. વર્ષ ૨૦૨૩- ૨૪ સીઝનમાં મુંબઈમાં રણજી ટ્રોફી જીતી હતી.

હજુ ગયા માર્ચમાં જ કાલેએ મુંબઈની  સિનિયર મેન્સ ટીમની રણજી ટ્રોફીની મેચ ફી ડબલ કરાવી દીધી હતી. તેમણે મુંબઈ  ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ એડવાઈઝર તરીકે ભારતની મહિલા ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન ડાયના એડલજી તથા મુંબઈના એક્સ કેપ્ટન મિલિન્જ રેગેની નિયુક્તિ કરી હતી. તેમના કાર્યકાળમાં વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પૂર્ણ કદની પ્રતિમાનું પણ આવરણ કરાયું હતું.



Google NewsGoogle News