પોક્સો કેસની અપીલમાં પીડિત કે પાલકની હાજરી અનિવાર્ય નથી
વકિલો, તપાસ એજન્સીઓ માટે હાઈકોર્ટની સ્પષ્ટતા
જામીન અરજીમાં સંભવિત ખતરા વિશે કોર્ટને જાણ કરવા પીડિતની હાજરી જરૃરી પણ અપીલમાં તો કોર્ટ પાસે વિગતો ઉપલબ્ધ હોય છે
મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ (પોક્સો) કાયદા હેઠળના ગુનામાં બાળ પીડિતો કે તેમના પાલકને અપીલ કે કસૂવારની સજા ઘટાડવાની અરજીની સુનાવણી માટે કોર્ટ સમક્ષ હાજર રાખવાનું બંધનકારક નથી.
નાગપુર બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે વકિલો, તપાસ એજન્સી અને કોર્ટ અધિકારીઓમાં મુંઝવણ હતી કે સજા રદ તકરવાની અપીલમાં પીડિત કે તેના પાલકને હાજર રાખવા જરૃરી છે કે નહીં.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અગાઉના કેસમાં આપેલા નિર્દેશાનુસાર બાળક કે પાલકની હાજરી જામીન અરજી સિવાય બંધનકારક નથી. કોર્ટે સજા સામેની અપીલ દાખલ કરીને અપીલકર્તાને અપીલ અને સજા રદ કરવાની અરજીમાંતી પીડિતનું નામ રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પોક્સો કાયદા હેઠળના ગુના સંબંધી કેસમાં સામાન્ય પ્રથા અનુસાર અપીલકર્તાએ પીડિતનું નામ અપીલમાં પક્ષકાર તરીકે ઉમેર્યું હતું. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અપીલકર્તાએ અર્જુન માલ્ગેના જે કેસને ટાંક્યો છે એના ચુકાદામાં પીડિતના પરિવાર કે પાલકને નોટિસ આપવાનું ફરજિયાત કરાયું છે જેથી તેને કેસની સ્થિતિની જાણ થાય અને ઈચ્છા હોય તો કોર્ટમાં સુનાવણી માટે હાજરી આપી શકે.આ નિર્દેશનો અર્થ બાળકની હાજરી તેના માતાપિતા કે પાલક માફરત ફરજયાત હોવાનો થતો નથી.
જામીન અરજીની સુનાવણીમાં પીડિત કે પાલક જો આરોપીને જામીન પર મુક્ત કરાશે તો તેને પડનારી મુશ્કેલી કે ત્રાસ વિશે કોર્ટને વાકેફ કરી શકે છે. સજા રદ કરવાની અરજીમાં ચુકાદો અને પુરાવા અપીલ કોર્ટ સમક્ષ પહેલેથી જ હોય છે એમાં પીડિતાનો કોઈ સક્રિય સહભાગ હોતો નથી, એમ કોર્ટે નોંધ કરી હતી.