સગર્ભાને હાથગાડી માં સુવાડી બાઈક સાથે બાંધી હોસ્પિટલ લઈ જવાઈ
મુંબઈથી માંડ 50 કિમીના અંતરે હાલત
હોસ્પિટલ પહોંચી ને તરત ડિલિવરી થઈ, આરોગ્ય તંત્ર પર પસ્તાળ પડી
મુંબઇ : નવી મુંબઇના પનવેલ પાસે એક આંચકાદાયક ઘટનામાં સમયસર એમ્બ્યુલન્સ ન મળતા સગર્ભાને હાથગાડીમાં સૂવાડી આ હાથગાડીને બાઇક સાથે બાંધી હોસ્પિટલમાં પહોંચાડવી પડી હતી. હોસ્પિટલમાં પહોંચ્યા પછી તરત તેણે બાળકને જન્મ આપ્યો હતો.
મુંબઇ, નવી મુંબઇ અને થાણે જેવા શહેરોની લાગેલગ આવેલા પનવેલ વિસ્તારની આ ઘટના સોશ્યલ મિડિયામાં વાઇરલ થયા બાદ આરોગ્ય સેવાના કારભાર ઉપર માછલા ધોવાયા હતા.
એવું જાણવા મળ્યું હતું કે પનવેલ નજીક આસૂણાંવમાં નટ-બજાણિયાનો ખેલ કરતા પરિવારની મહિલાને પ્રસૂતીપીડા ઉપડતા તેના પતિએ આશા વર્કરને મદદ માટે સંપર્ક કર્યો હતો. આશા વર્કરે તરત એમ્બ્યુલન્સનો નંબર આપ્યો હતો. પરંતુ આ નંબર પર વારંવાર ફોન કર્યા છતાં સંપર્ક નહોતો થયો. આ દરમ્યાન પત્નીની પીડા વધવા માંડતા પતિએ હાથગાડીમાં પત્નીને સૂવડાવી તેને બાઇક સાથે બાંધીને ધીમે ધીમે ે હોસ્પિટલમાં પહોંચાડી હતી.
પનવેલની આ ઘટનાને પગલે ઉહાપોહ થયા બાદ રાયગઢ જિલ્લાના સિવિલ સર્જન ડૉ. અંબાદાસ દેવમાનેએ જણાવ્યું હતું કે પનવેલના સ્થાનિક મેડિકલ ઓફિસર પાસેથી આ ઘટનાનો સવિસ્તર રિપોર્ટ મળ્યા બાદ દોષિત સામે પગલાં લેવામાં આવશે.