સિદ્દિકી હત્યા કેસના 3જા આરોપી પ્રવીણ લોણકરને ૨૧મી સુધી રિમાન્ડ
બાબા સિદ્દીકીની હત્યાના ત્રીજા આરોપીને કોર્ટમા રજૂ કરાયો
પ્રવીણના ભાઈ શુભમનો બિશ્નોઈ ગેન્ગ સાથે સંબંધ હોવાનો દાવો, 1 શૂટર હજી ફરાર
મુંબઈ : એનસીપીના નેતા અને રાજ્યના માજી પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા બદલ પુણેથી રવિવારે પકડાયેલા ત્રીજા આરોપી પ્રવીણ લોણકરને ૨૧ ઓક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.
આરોપીને મેજિસ્ટ્રેટ વી. આર. પાટીલની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. સનસનાટીભર્યા મર્ડર પાછળનું કાવતરું જાણવા તેની પૂછપરછ કરવાની હોવાથી કસ્ટડી માગવામાં આવી હતી. પોલીસે જણાવ્યા અનુસાપ પ્રવીણ લોણકરના ભાઈ શુભમનો ગેન્ગસ્ટ લોરેન્સ બિશ્નોઈ સાથે કથિત સંબંધ છે.
પોલીસે કરેલા દાવા અનુસાર શુભમ અને અન્ય ફરાર આરોપીઓએ સિદ્દીકી પર હુમલો કરવા ગનમેનોને શસ્ત્રો પૂરા પાડયા હતા અને કાવતરું રચ્યું હતું.
પ્રવીણ લોણકર સામપણ કથિત શૂટરોમાંથી બેને કામ સોંપ્યાનો આરોપ છે. જોેકે તેના વકિલે આરોપો નકારીને પોતાના અસીલને ફસાવાયો હોવાનો દાવો કર્યો હતો કેમ કે પોલીસ શુભમને પકડી શકી નથી. પ્રવીણ ડેરીની દુકાન ચલાવે છે અને કેસ ભલે સંવેદનશીલ હોય પણ પ્રવીણ સામે કાવતરાનો આરોપ કરી શકાય નહીં. બંને બાજુ સાંભળીને મેજિસ્ટ્રેટે પ્રવીણને ૨૧ ઓક્ટોબર સુધીના રિમાન્ડ આપ્યા હતા.
કેસમાં એજ દિવસે પકડાયેલા હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (૨૩) અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (૧૯)ને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી અપાઈ છે. ધર્મરાજે પોતે સગીર હોવાનો દાવો કર્યો હતો. પરંતુ અદાલતે તેનો તબીબી ટેસ્ટ કરાવ્યા બાદ તે પુખ્ત હોવાનું નક્કી થતાં તેને પણ ગઈ મોડી રાતે રિમાન્ડ અપાયા હતા.
બાંદરાના ખેરવાડી જંક્શન પાસે ત્રણ જણે બાબા સિદ્દીકી પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. સિદ્દીકી તેમના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે શનિવારે રાત્રે ઘટના બની હતી.
ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી બે શૂટરને પકડયા છે અને ત્રીજો ગનમેન શિવકુમાર ગૌતમ હજી ફરાર છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રવીણ અને શુભમે કશ્યપ અને ગૌતમને શૂટિંગના કામ માટે પસંદ કર્યા હતા.
પોલીસ બિશ્નોઈ ગેન્ગના સભ્ય કહેવાતી વ્યક્તિએ ઘટનાની જવાબદારી સ્વીકારીને કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટની પણ ચકાસણી કરી રહી છે.
ક્રાઈમ બ્રાંચ કોન્ટ્રેક્ટ કિલિંગ, વ્યાવસાયિક દુશ્મની કે એસઆરએ પ્રોજેક્ટને લઈને મળતી ધમકી સહિતના પસાં ચકાસી રહી છે.