પ્રાણ પ્રતિષ્ઠા, મરાઠા રેલી અને 26 જાન્યુ.: મુંબઈ પોલીસની રજાઓ રદ
લગભગ આખું અઠવાડિયું પોલીસ ખડે પગે રહેશે
મેડિકલ ઈમર્જન્સી સિવાયની કોઈ પણ રજાઓ નહીં લેવા આદેશઃ માર્ગો પર હજારોનો કાફલો ખડકાયો
મુંબઈ : આજે અયોધ્યામાં પૂર્ણ થયેલી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને હવે શહેરમાં આવી રહેલા મરાઠા અનામત આંદોલનનો મોરચો અને તે પછી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનને ધ્યાને રાખીને મુંબઈ પોલીસ દ્વારા તમામ જવાનો તથા અધિકારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તા. ૨૮મી જાન્યુઆરી સુધી કોઈને પણ મેડિકલ ઈમરજન્સી સિવાય કોઈ રજા નહીં લેવાનું જણાવાયું છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શહેરમાં રથયાત્રાઓ સહિત અનેક જાહેર કાર્યક્રમો યોજાયા હોવાથી મુંબઈ પોલીસ બંદોબસ્ત માટે માર્ગો પર ઉતરી છે. શહેર પોલીસને ગત શનિવારથી જ એલર્ટ આપી દેવાયું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની કૂમકો પેટ્રોલિંગ માટે મોકલાઈ છે.
હવે પ્રાણ પ્રતિષ્ઠા બાદ મરાઠા અનામત આંદોલનના કાર્યકરો શહેરમાં પહોંચવાના શરુ થાય તેવી શક્યતા છે. મરાઠા આંદોલનકારીઓ પુણે સુધી પહોંચી ચૂક્યા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ મરાઠા આંદોલનકારીઓ શહેરમાં એકત્ર થવાના શરુ થશે. આ દરમિયાન બંદોબસ્ત માટે ખડેપગે રહેવા તમામ જવાનો તથા અધિકારીઓને જણાવાયું છે.
તા. ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવાર વખતે કોઈ આતંકી ગતિવિધિ સામે પોલીસ હંમેશા એલર્ટ મોડ પર રહેતી હોય છે. તે સંદર્ભમાં પણ ઠેર ઠેર રાત્રિ ચેકિંગ તથા પેટ્રોલિંગ યોજાય છે.
આમ સળંગ એક પછી એક આયોજનોના કારણે મુંબઈ પોલીસને તા. ૨૮મી સુધી એક પણ રજા નહીં લેવા જણાવાયું છે. મેડિકલ ઈમરજન્સીના કેસ સિવાય કોઈ જવાન કે અધિકારી કોઈપણ કારણસર ગેરહાજર રહી શકશે નહીં.