કોર્ટમાં પ્રજ્ઞા ઠાકુર ભાવુક થયાં, બધા સવાલોનો એક જવાબ : મને ખબર નથી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
કોર્ટમાં પ્રજ્ઞા ઠાકુર ભાવુક થયાં, બધા સવાલોનો એક જવાબ : મને ખબર નથી 1 - image


માલેગાંવ બ્લાસ્ટ કેસમાં  આરોપીઓના નિવેદન નોંધાયા

બ્લાસ્ટનો ભોગ બનેલાની ઈજાના વર્ણન વખતે એકદમ અસ્વસ્થ થઈ જતાં કોર્ટ કાર્યવાહી 10 મિનીટ રોકવી પડી

મુંબઈ :  માલેગાંવ બોમ્બધડાકા કેસમાં મુખ્ય આરોપી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર મંગળવારે વિશેષ એનઆઈએ કોર્ટે સમક્ષ નિવેદન નોંધાવતી વખતે સવાલોના જવાબ આપતાં ભાવુક થયા હતા.

નીચલી કોર્ટે મંગળવારે ઠાકુર અને અન્ય છ આરોપીના નિવેદન નોંધવાનું શરૃ કર્યું છે. ફોજદારી દંડ સંહિતાની કલમ ૩૧૩ હેઠળની આ પ્રક્રિયાથી વ્યક્તિને પોતાની સામેના પુરાવામાં રહેલી પરિસ્થિતિનો ખુલાસો કરવાની તક આપવામાં આવે છે.

માલેગાંવ બોમ્બધડાકા બાદ ઈજાગ્રસ્તોની સારવાર કરનારા અને ઓટોપ્સી કરનારા ડોક્ટરોની જુબાની સંબંધી ૬૦ જેટલા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. વિટનેસ બોક્સમાં બેઠેલા ઠાકુર  દેખિતી રીતે ભાવુક થઈ જતાં દસ મિનિટ માટે પ્રક્રિયા અટકાવી દેવાઈ હતી. તમામ સવાલનો જવાબ 'મને જાણ નથી'હતો.

પીડિતોને થયેલી ઈજાના વર્ણન કરતા સવાલ પર ભોપાલના લોકસભાના સભ્ય ઠાકુર અસ્વસ્થ જણાયા હોવાનું તેમના વકિલોએ જણાવ્યું હતું.

સરકારી પક્ષના સાક્ષીદારોના નિવેદન નોંધવાનું પૂર્ણ થયું છે. ડિસેમ્બર ૨૦૧૮થી શરૃ થયેલી સુનાવણીમાં ૩૨૩ સાક્ષી તપાસ્યા હતા જેમાં ૩૪ ફરી ગયા અથવા કેસને સમર્થન આપ્યું નહોતું. નિવેદન રેકોર્ડ કરવા માટે કેસના તમામ સાતે આરોપી હાજર હતા. ઘટનામાં સોથી વધુ ઈજા પામ્યા હતા અને છ જણના મોત થયા હતા.



Google NewsGoogle News