પ્રદીપ શર્માને લખનભૈયા એન્કાઉન્ટર કેસમાંહાઈકોર્ટે જન્મટીમની સજા ફટકારી
2006ની ઘટનામાં સેશન્સ કોર્ટે આપેલો ચુકાદો પલટાવ્યો
નીચલી કોર્ટે પુરાવાને અવગણીને આપેલા અદેશને વિકૃત ગણાવ્યો
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખનભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસમાં જન્મટીપની સજા ફટકારી છે. છોટા રાજનનો નિકટવર્તી મનાતો લખનભૈયા ૨૦૦૬માં મંંબઈમાં કથિત પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. ગૌરી ગોડસેએ ૨૦૧૩ના સેશન્સ કોર્ટે શર્માને મુક્ત કરતો આદેશ વિકૃત અને બિનટકાઉ ગણાવીને રદબાતલ કર્યો હતો.
શર્મા સામેના પુરાવાને નીચલી કોર્ટે અવગણ્યા છે. પુરાવાની સમાન કડી નિશંકપણે શર્માની કેસમાં સંડોવણી પુરવાર કરે છે, એમ કોર્ટે નોંધ્યું હતું. બેન્ચે શર્માને ત્રણ સપ્તાહમાં સેશન્સ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો.
હાઈ કોર્ટે નીચલી કોર્ટે પોલીસ કર્મચારી સહિતના અન્ય ૧૩ જણને કસૂરવાર ઠેરવીને આપેલી જન્મટીપની સજાને પણ બહાલ રાખી હતી.અન્ય છ જણની જન્મટીપની સજા રદ કરીને તેમને મુક્ત કર્યા હતા.૧૩ પોલીસ કર્મચારી સહિત ૨૨ આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
સેશન્સ કોર્ટે ૨૦૧૩માં શર્માને પુરાવાના અભાવે મુક્તિ આપી હતી અને અન્ય ૨૧ આરોપીને જન્મટીપ સંભળાવી હતી.૨૧ આરોપીમાંથી બેના કસ્ટડીમાં મોત થયા હતા.
આરોપીઓએ કસૂરવાર ઠેરવતા આદેશ સામે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી જ્યારે સરકારી પક્ષ અને મૃતકના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ શર્માની મુક્તિ સામે અપીલ કરી હતી.
વિશેષ સરકારી વકિલ રાજીવ ચવાણે દલીલ કરી હતી કે હાલના કેસમાં અધિકારીઓ કાયદાના રખેવાળ હતા અને તેઓ જ ઠંડે કલેજે કરાયેલી નિયોજીત હત્યામાં સંડોવાયેલા હતા.
સરકારી પક્ષે શર્માને કસૂરવાર ઠેરવવાની દાદ માગીને કરેલી દલીલમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પોલીસ અધિકારી મુખ્ય કાવતરાખોર છે અને અપહરણ અને હત્યાના આખા ઓપરેશનનો મુખ્ય સૂત્રધાર છે.
૧૧ નવેમ્બર ૨૦૦૬ના રોજ પોલીસે છોટા રાજન ગેન્ગનો સભ્ય હોવાની શંકા પરથી ગુપ્તા ઉર્ફે લખનભૈયાને વાશીથી ઉઠાવ્યો હતો.સાથે તેના મિત્ર અનિલ ભેડાને પણ લઈ ગયા હતા અને વર્સોવામાં નાના નાની પાર્ક પાસે કથિત બનાવટી એન્કાઉન્ટરમાં ગુપ્તાને ઠાર કર્યો હતો.