પ્રભાદેવીના સિદ્ધી- વિનાયક કોરિડોર 500 કરોડના ખર્ચે વિકસાવાશે
ઉજ્જૈનના મહાકાલ કોરિડોરની જેમ
બીએમસીના બજેટમાં મુંબઇના મહત્વના ધર્મસ્થાનોના વિકાસ માટે ફંડની જોગવાઇ
મુંબઇ : ઉજ્જૈનના મહાકાળ મંદિરની માફક મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના પરિસરનો વિકાસ કરાશે. આ પ્રોજેક્ટ પાછળ મુંબઇ મહાનગર પાલિકાએ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ૫૦૦ કરોડ રૃપિયાની જોગવાઇ કરી છે. આ અંગેનો ટુંક સમયમાં સવિસ્તાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરાશે એવી જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી.
પ્રભાદેવી ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરના દર્શન માટે આવતાં શ્રદ્ધાળુઓને સારી સુવિધા આપવા પાલિકાએ ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ અંતર્ગત મંદિરના પરિસરનું સુશોભિકરણ, પુનનિયોજન કરાશે. મંદિર તરફ જતાં રસ્તાને પહોળો, પૂજા- વિધિનો સામાનના વિક્રેતાની વ્યવસ્થા કરવાનો પણ સમાવેશ છે.
આ અંગેનો વિસ્તૃત અહેવાલ કરવા માટે પ્રોજેક્ટ વ્યવસ્થાપન (ડી.પી.આર) સલાહકારની નિમણૂક કરશે. સી.એમ.એ કોસ્ટલ રોડના એક દિશાના માર્ગના ઉદ્ઘાટન સમયે ઉપરોક્ત પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. આ મંદિરના દર્શને વિશ્વભરથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડે છે. જેમાં અભિનેતા, અભિનેત્રી, રાજકારણ, સુપ્રસિદ્ધ વ્યક્તિ, ઉદ્યોગપતિ સહિત અને શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડતા હોવાની સુવિધા ઓછી પડી રહી છે. આથી મંદિરના પરિસરની કાયા પલટ કરાશે.
પ્રોજેક્ટની મહત્વની સુવિધા
- શ્રદ્ધાળુઓ માટે સ્વતંત્ર આવવા- જવાનો રસ્તો
- મંદિરના બંને માર્ગ પર પ્રવેશ દ્વાર
- શ્રદ્ધાળુઓ માટે અત્યાધુનિક સ્વચ્છતા ગૃહ
- દર્શન માટે કતારમાં ઉભેલા શ્રદ્ધાળુઓ બેઠક સહિત વિવિધ સુવિધા
- મંદિર તરફ આવતા બધા રસ્તાઓ પહોળા કરાશે
- શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા
મહાલક્ષ્મી મંદિરના પરિસરનો વિકાસ કરાશે
આ સિવાય શહેરમાં મુંબાદેવી મંદિર, મહાલક્ષ્મી મંદિર, હાજીઅલી દર્ગા, જગન્નાથ શંકર શેઠ સ્મારક તથા ભાગોજી શેઠ કીર સ્મારક બાબતે સી.એમ.ના અધ્યક્ષતા હેઠળ બેઠખ થઇ હતી. આ વેળા મહાલક્ષ્મી મંદિરના પરિસરના વિકાસ માટે પાલિકા ૬૦ કરોડ રૃપિયા ફંડ આપશે એવો આદેશ સી.એમ.એ આપ્યો હતો. તેમજ મુંબાદેવી મંદિરના સૌંદર્યકરણ માટે ૨૨૦ કરોડ રૃપિયા, જગન્નાથ શંકર શેઠના સ્મારક માટે ૩૫ કરોડ રૃપિયા, ભાગોજી શેઠ સ્મારક માટે ૨૦ કરોડ રૃપિયા ફંડ ઉપલબ્ધ કરવાનો પણ નિર્ણય બેઠકમાં લીધો હતો.