પૂણે પોર્શ-કાંડ: પિતા-દાદા બાદ પોલીસે માતાની કરી ધરપકડ, પુત્રને બચાવવા કર્યું હતું આ કારસ્તાન
Image Source: Twitter
Pune Porsche Accident: પોલીસે 'પુણે પોર્શ' અકસ્માત કેસમાં સગીર આરોપીની માતાની પણ ધરપકડ કરી લીધી છે. આ સાથે જ એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે સગીરના બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલ સાથે બદલવામાં આવ્યા હતા. શહેરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે, અકસ્માતની તપાસમાં એ જાણવા મળ્યું છે કે સગીરના બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલ સાથે બદલવામાં આવ્યા હતા. ત્યારબાદ સગીર આરોપીની માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બે દિવસ પહેલા સ્થાનિક કોર્ટને જણાવ્યું હતું કે, સગીરના બ્લડ સેમ્પલ એક મહિલાના બ્લડ સેમ્પલ સાથે બદલવામાં આવ્યા હતા.
પિતા અને દાદાની પણ ધરપકડ
પુણેના કલ્યાણી નગરમાં 19 મેના રોજ 'પોર્શ' કારના 17 વર્ષના ડ્રાઈવરે મોટરસાઈકલ સવાર બે સોફ્ટવેર એન્જિનિયરોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બંને સોફ્ટવેર એન્જિનિયરોના મોત થઈ ગયા હતા. પોલીસે દાવો કર્યો છે કે, આરોપી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. આ કેસમાં 17 વર્ષીય આરોપીને એક સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે તેમના પિતા અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિશાલ અગ્રવાલ અને દાદા સુરેન્દ્ર અગ્રવાલ પર કથિત રીતે ફેમિલીના ડ્રાઈવરનું અપહરણ કરવા અને તેના પર અકસ્માતની જવાબદારી લેવા માટે દબાણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
હોસ્પિટલના ડોક્ટરો પણ કાર્યવાહી
આ પહેલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એએ પાંડેની કોર્ટે બે ડોક્ટરો ડો. શ્રીહરિ હરનોર અને ડો. અજય તવારેની સાથે-સાથે હોસ્પિટલના એક કર્મચારી અતુલ ઘાટકાંબલેને 30 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સસૂન જનરલ હોસ્પિટલના બે ડોકટરો અને એક કર્મચારીની સગીરના બ્લડ સેમ્પલ સાથે છેડછાડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી જેથી એવું બતાવી શકાય કે, તે અકસ્માત સમયે નશામાં ન હતો. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, સગીરના પિતાએ એક ડોકટરને બોલાવ્યા હતા અને તેમને બ્લડ સેમ્પલ બદલવા માટે કહ્યું હતું. આ સાથે જ પોલીસ એ તપાસ કરવા માગતી હતી કે, સેમ્પલમાં હેરફેર કરવા માટે કોણે આદેશ આપ્યો હતો.