પૂનમની પીઆર એજન્સીએ હવે રહી રહીને માફી માગી
પૂનમ સામે પોલીસ ફરિયાદોનો સિલસિલો
પૂનમનાં મોતના ખોટા અહેવાલનું પ્લાનિંગ 3 મહિનાથી ચાલતું હતું
મુંબઇ : સર્વાઈકલ કેન્સર માટે જાગૃતિના નામે પોતાનાં મોતના ખોટા સમાચારનો ભદ્દો પબ્લિસિટી સ્ટંટ કરનારી પૂનમ પાંડેની પીઆર એજન્સીએ આ હરકત માટે જાહેર માફી માગી લીધી છે. બીજી તરફ આ સ્ટંટ માટે પૂનમ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની માગણી કરતી એક પછી એક અરજીઓનો સિલસિલો પણ શરુ થયો છે.
શ્બાંગ નામની કંપનીએ એક નેટવર્કિંગપ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પર જાહેરમ માફી પ્રગટ કરી છે. તેમાં જણાવાયું છે કે હોટરફલાઈ નામની અન્ય એજન્સીના સહયોગમાં અમે પૂનમનાં ખોટાં મોતના સમાચાર ફેલાવ્યા હતા. અમારો ઈરાદો સર્વાઈકલ કેન્સર બાબતે જાગૃતિ લાવવાનો હતો. પરંતુ, તેનાથી કેન્સર સર્વાઈવર અથવા તો કેન્સરમાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા લોકોને ઠેસ પહોંચી હોય તો અમે તેમના માટે માફી માગીએ છીએ.
જોકે, કંપનીએ દાવો કર્યો છે કે આ કેમ્પેઈનથી મીડિયામાં સર્વાઈકલ કેન્સર વિશે અનેક લેખ પ્રગટ થયા હતા. તેના લીધે આ કેન્સર વિશે જાગૃતિ પણ ફેલાઈ છે.
કેટલાક અહેવાલો અનુસાર એકથી વધુ એજન્સીએ પૂનમનાં આ કેમ્પેઈનનું પ્લાનિંગ કર્યું હતું. સંબંધિત લોકોને ત્રણ મહિનાથી આ પ્લાનિંગનો ખ્યાલ હતો.
બીજી તરફ પૂનમ સામે ગુનો દાખલ કરવાની અરજીઓ પણ વધી રહી છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ફૈઝાન અન્સારીએ મુંબઈ પોલીસને એક અરજી કરી પૂનમ સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી. આ પહેલાં એક એડવોકેટ દ્વારા પણ પોલીસને પૂનમ વિરુદ્ધ અરજી અપાઈ છે.
સિને વર્ક્સ એસોસિએશન દ્વારા પણ પૂનમ સામે પોલીસ કાર્યવાહીની માગણી થઈ ચૂકી છે.