પૂજા ખેડકરની માતાએ ખેડૂતને પિસ્તોલ બતાવી ધાકધમકી આપી
પૂજાની માતાના વાયરલ વીડિયોથી વિવાદ
સોશિયલ મીડિયા પર પસ્તાળ પડતાં તંત્રની દોડધામ, મનોરમા ખેડકર પાસે લાયસન્સ છે કે નહીં તેની તપાસ કરાશે
મુંબઇ - વિવાદસ્પદ પ્રોબેશનરી આઇ.એ.એસ. ઓફિસર પૂજા ખેડકરની માતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેમના માતા મનોરમાં ખેડકર ખેડૂતોને પિસ્તોલ બતાવી ડરાવી રહ્યા છે. ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અને પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે કથિત રીતે સંપત્તિ ભેગી કરી હતી અને પુણે જિલ્લાના મૂલશી તાલુકામાં ૨૫ એકર જમીન લીધી હતી.
મીડિયા અહેવાલો અનુસાર તેમની જમીનની આસપાસની જમીન પર ખેડકર પરિવારે કથિત રીતે બળજબરીથી અતિક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની સામેની ફરિયાદ કરવાનો પ્રયત્ન કથિત રીતે નિષ્ફળ બનાવી દેવાતો હતો.
એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વીડિયો શેર કરાયો હતો. વીડિયો વાયરલ થયા પછી યૂઝર્સ દ્વારા રાજ્ય સરકાર સામે પ્રશ્નો ઉભા થયા હતા. એક યુઝરે પૂછયું કે આ ગંભીર મામલો લાગે છે. આઇએએસ અધિકારીના પરિવારના સભ્ય પણ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ મામલામાં શું પગલા ભરાય છે? એક અન્ય યૂઝરે કહ્યું કે આ મહિલાને શસ્ત્ર કયા આધાર પર મળ્યું? જે રીતે પિસ્તોલ તાકી રહ્યા છે અને દર્શાવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. આ પરિવારની તપાસ કરાવવાની જરૃરત છે.
વીડિયો સંબંધમાં પૂણે ગ્રામીણ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે વીડિયોની નોંધ લીધી છે અને કેસના તથ્યોની તપાસ કરી રહ્યા છે. વીડિયોમાં જે ખેડૂત જોવા મળ્યા છે તેમનો સંપર્ક અમે કર્યો છે. જો તેમની ઇચ્છા હશે તો પૌડ પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પિસ્તોલ રાખવાનું મનોરમા પાસે લાઇસન્સ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે તેવું પોલીસે કહ્યું હતું.
મનોરમા ખેડેકર અહમદનગર જિલ્લાના ભાલગાંવના સરપંચ છે. વાઇરલ થયેલો વીડિયો કેટલાક વર્ષ અગાઉ લેવામા આવ્યો હતો તેવું જણાય છે. વીડિયોમાં કથિત રીતે તેઓ બોલી રહ્યા છે ''મને સાત-બાર (૭/૧૨ જમીન રેકોર્ડ)... આ (જમીન) મારા નામમાં છે... જો તમે દાવો કરો તો મને કોર્ટ ઓર્ડર બતાવો.''
વીડિયો વાઇરલ થયા પછી મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયે આ ઘટના બાબતમાં સર્વગ્રાહ્યી અહેવાલ મંગાવ્યો છે કે તેવું જાણવા મળ્યું છે.