પૂજા ખેડકરની આઈએએસ કેરિયર પર યુપીએસસી દ્વારા કાયમી પૂર્ણવિરામ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકરની  આઈએએસ કેરિયર પર યુપીએસસી દ્વારા કાયમી પૂર્ણવિરામ 1 - image


આઈએએસ તરીકેની ઉમેદવારી છિનવી, હવે ક્યારેય પરીક્ષા  પણ નહિ આપી શકે

છેલ્લાં 15 વર્ષમાં પૂજા એવી પહેલી ઉમેદવાર જેણે નામ તથા અન્ય રીતે ઓળખ બદલીને નિયત મર્યાદા કરતાં વધારે  એટેમ્પ્ટ મેળવ્યા હોયઃ યુપીએસસી

શંકાસ્પદ ડિસેબલ્ડ સર્ટિ, નોન ક્રિમી લેયરના  દુરુપયોગ તથા ટ્રેઈની તરીકે અધિકાર નહિ હોવા છતાં રોફ જમાવવાના વિવાદમાં સપડાયેલી પૂજા  સામે નિર્ણાયક એક્શન

મુંબઇ :  મહારાષ્ટ્રની વિવાદાસ્પદ  ટ્રેઈની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરની આઈએએસ તરીકેની  કારકિર્દી પર કાયમી  પૂર્ણવિરામ લાગી ગયું છે. યુપીએસસીએ તેની આઈએએસ તરીકેની ઉમેદવારી  રદ કરી દીધી છે. એટલું જ નહિ પણ પૂજાને ભવિષ્યમાં યુપીએસસીની  કોઈપણ પરીક્ષામાં બેસવા દેવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ખોટાં ડિસેબિલિટી સર્ટિફિકેટ તથા નોન ક્રિમી લેયરના દુરુપયોગના વિવાદમાં ફસાયેલી પૂજા ટ્રેઈન હોવા છતાં પણ ખાનગી કાર પર લાલ લાઈટ લગાવીને ફરવા તથા    અન્ય અધિકારીની ચેમ્બર પચાવી પાડવાના વિવાદોમાં ફસાઈ હતી. પૂજાએ વારંવાર નામ સહિત અન્ય ઓળખ બદલી નિયત મર્યાદા કરતાં પણ વધુ  એટેમ્પ્ટ મેળવ્યા હોવાનું જણાયા બાદ યુપીએસસીએ તેની સામે ઠગાઈની એફઆઈઆર નોંધાવી હતી અને તેને નોટિસ પણ પાઠવી હતી. હવે આખરે તેને ટ્રેઈની આઈએએસ તરીકે હાંકી કઢાઈ છે. 

પૂજા ખેડકરની અરજીમા જણાવેલી વિગતો અને તેની પાત્રતાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવ્યા બાદ યુપીએસસીએ નિર્ણય લીધો છે. યુપીએસસીએ એક અધિકૃત નિવેદનમાં કહ્યું છે કે યુપીએસસીએ તમામ ઉપલબ્ધ દસ્તાવેદોની ચકાસણી કરી છે અને સીએસઇ- ૨૦૨૨ની (સિવિલ સર્વિસ એક્ઝામિનેશન- ૨૦૨૨) જોગવાઇઓના ઉલ્લંઘન માટે દોષિત છે તેવી જાણ થઇ છે. સીએસઇ- ૨૦૨૨ માટે તેની હંગામી ધોરણે મળેલી ઉમેદવારી રદ કરવામાં આવી છે અને યુપીએસસીની તમામ હવે  પછી થનારી પરીક્ષાઓ/ સિલેક્શન માટે તેના પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોતાની ઓળખ બદલીને નિયમ કરતા વધુ વાર પૂજા ખેડકર પરીક્ષામાં બેઠી હતી અને આ રીતે છેતરપિંડી કરી હતી તેનો જવાબ ૨૫મી જુલાઇ સુધી આપવા તેને ૧૮મી જુલાઇએ શો કોઝ નોટિસ (કારણ બતાવો નોટિસ) આપવામાં આવી હતી તેવું પણ યુપીએસસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. પોતાનો જવાબ આપવા જરૃરી દસ્તાવેજો ભેગા કરી શકે તે માટે ૪ ઓગસ્ટ સુધીનો સમય આપવા તેણે વિનંતી કરી હતી. શોકોઝ નોટિસનો જવાબ આપવાની સમય મર્યાદા લંબાવીને ૩૦ જુલાઇ બપોરના ૩.૩૦ કલાક સુધી કરવામાં આવી હતી. આ અંતિમ તક છે અને હવે પછી લંબાવવામાં નહી આવે તેવું યુપીએસસીએ તેને જણાવ્યું હતું.

યુપીએસસીએ નિવેદનમાં કહ્યું કે જવાબ આપવામાં તેને વધુ સમય આપવામાં આવ્યો તે પછી પણ જણાવેલી તારીખ સુધી તેણે જ વાબ આપ્યો ન હતો. ડિસેબિલિટી અને ઓબીસી (નોન-ક્રિમી લેયર) અનામતનો દુરુપયોગ કરવા બદલ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે પૂજા ખેડકર સામે ફરિયાદ દાખલ કરી હતી. વિવિધ સરકારી વિભાગો પાસેથી દસ્તાવેજો ભેગા કરવા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) સ્તરના અધિકારીના વડપણમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જવાબદારી સોંપવામાં આવી હતી. 

આઇપીસીની સેક્શન ૪૨૦ (ચીટિંગ), ૪૬૪ (કાલ્પનિક વ્યક્તિના નામમાં દસ્તાવેજ બનાવવો), ૪૬૫ (ફોર્જરી) અને ૪૭૧ (બનાવટી દસ્તાવેજને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરવાનું કૃત્ય) અને રાઇટસ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીસ એકટના સેક્શન ૮૯ અને ૯૧ હેઠળ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટના સેક્શન ૬૬ ડી હેઠળ પૂડા ખેડકર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પૂજા ખેડકરે પોતાનું અને માતાપિતાનું નામ બદલ્યું હતું આથી મુખ્યત્વે આ કારણથી આ ઉમેદવારે નિયમથી કેટલી વધુ વાર પરીક્ષા આપી છે તે જાણી શકાયું નહતું. છેલ્લાં ૧૫ વર્ષમાં આ રીતે ઓળખો બદલી  મર્યાદા કરતાં વધુ   એટેમ્પ્ટ આપનારી પૂજા એકમાત્ર ઉમેદવાર છે એમ યુપીએસસીએ જણાવ્યું હતું. 

ઉમેદવારોએ પરીક્ષાના કેટલા પ્રયત્નોનો લાભ લીધો હતો તેની માહિતી મેળવવા સિવિલ સર્વિસિસ- પરીક્ષામાં છેલ્લા ૧૫ વર્ષમાં (૨૦૦૯- ૨૦૨૩) દરમિયાન પસંદ કરાયેલા ૧૫,૦૦૦થી વધુ ઉમેદવારોના ડેટાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી તેવું કમિશને પોતાના નિવેદનમાં કહ્યું હતું. આ ઝીણવટભરી તપાસ પછી ખબર પડી હતી કે પૂજા ખેડકર સિવાય કોઇ ઉમેદવારે નિયમથી વધુ વાર પરીક્ષા આપી ન હતી.

આવા કૃત્ય બીજી વાર નહીં થવા શકે તે માટે યુપીએસસી પોતાની 'સ્ટાન્ડર્ડ ઓપરોટિંગ પ્રોસિજર' (એસઓપી- કામકાજની નિયમિત પદ્ધતિ) વધુ મજબૂત કરી રહી છે તેવું યુપીએસસીએ કહ્યું હતું. ખોટા સર્ટિફિકેટ (ઓબીસી અને પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના ફરિયાદના મુદ્દે યુપીએસસીએ કહ્યું હતું કે સર્ટિફિકેટસની ફક્ત પ્રાથમિક તપાસ કરવામાં આવે છે.  સક્ષમ સત્તા (કોમ્પિટન્ટ ઓથોરિટી) દ્વારા આપવામાં આવ્યું હોય તો સામાન્ય રીતે સર્ટિફિકેટને સાચુ માની લેવામાં આવે છે. દર વર્ષે ઉમેદવારો દ્વારા રજૂ થતા કુલ હજારો સર્ટિફિકેટની ખરાઇ કરવાનો યુપીએસસીને આદેશ નથી કે તેટલા સ્ત્રોત નથી તેવું યુપીએસસીએ કહ્યું હતું.



Google NewsGoogle News