આઈએએસ તરીકે ઉમેદવારી રદ કરવા સામે પૂજા ખેડકર હાઈકોર્ટમાં
દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે
યુપીએસસીએ સીએસઇ 2022ના નિયમ 19નું પાલન કર્યું ન હોવાની ખેડકરની રજૂઆત
આઇએએસના ઉમેદવાર તરીકેની ઉમેદવારી રદ કરવાના યુપીએસસીના પગલાંને પૂજા ખેડકરે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યું છે. પૂજા ખેડકરની અરજી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ સમક્ષ મુકાઈ હતી. હાઈકોર્ટે આ બાબતે આવતીકાલે તા. સાતમીએ સુનાવણી હાથ ધરવાનું ઠેરવ્યું છે.
પૂજા ખેડકર સામે ચિટિંગ (છેતરપિંડી) અને ફોર્જરી (બનાવટ કરવી)ના આક્ષેપો થયા હતા. તેની ઉમેદવારી રદ કરવાનો યુપીએસસીનો નિર્ણય ફગાવી દેવાની વિનંતી ખેડકરે પોતાના એડવોકેટ મારફત દિલ્હી હાઇકોર્ટમાં કરી છે. સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન રુલ્સ ૨૦૨૨ના રુલ ૧૯નું પાલન કર્યા વગર તેને ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સિવિલ સર્વિસ એક્ઝામિનેશન ૨૦૨૨માં તેની ઉમેદવારી રદ કરવાનો યુપીએસસીએ નિર્ણય જાહેર કર્યો હતો તેવી રજૂઆત ખેડકરે કરી હતી. તેની ઉમેદવારી રદ કરતા પત્રની કોપી પણ તેને યુપીએસસીએ આપી નહોતી તેવી ખેડકરે રજૂઆત કરી હતી.
અગાઉ યુપીએસસીએ પૂજા ખેડકરને શોકોઝ નોટિસ મોકલી હતી. જેનો જવાબ આપવા પૂજા ખેડકરની સમય આપવાની વિનંતી સ્વીકારી યુપીએસસીએ તેને ૩૦મી જુલાઈ, ૨૦૨૪ના ૩.૩૦ કલાક સુધી સમય આપ્યો હતો. તેની રજૂઆત સાંભળવાની આ અંતિમ તક છે અને વધુ સમય આપવામાં નહીં આવે તેવું પૂજા ખેડકરને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું. જો ઉપર જણાવેલી તારીખ સુધીમાં તેનો પ્રતિભાવ નહીં મળે તો યુપીએસસી આગળ પગલાં ભરશે તેવું પણ તેને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું. તેને વધુ સમય આપવામાં આવ્યો તે પછી પણ તેણે સમય મર્યાદામાં પોતાનો જવાબ આપ્યો નહોતો તેવું યુપીએસસીએ કહ્યું હતું. સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન ૨૦૨૨ (સીએસઈ-૨૦૨૨)ની જોગવાઈઓનું ઉલ્લંધન કરવાના કૃત્ય માટે તે દોષિત હતી તેવું ઉપલબ્ધ રેકોર્ડ્સનો અભ્યાસ કરવાથી યુપીએસસીને જાણ થઈ હતી. તેવું યુપીએસસીએ કહ્યું હતું.
પહેલી ઓગસ્ટે દિલ્હી પટિયાલા હાઉસ ફોર્ટે પૂજા ખેડકરની આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી હતી. આરોપી સામેના આક્ષેપો ગંભીર છે જેની સંપૂર્ણ તપાસની જરૃરત છે તેવું પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું હતું.