પૂજા ખેડકરે ફ્રોડ આચરી 12 વાર પરીક્ષા આપ્યાનો પર્દાફાશ થતાં યુપીએસસીની એફઆઈઆર
પોતાનું, માતાપિતાનું નામ વગેરે વારંવાર બદલી મંજૂરી કરતાં વધુ એટેમ્પટ મેળવ્યા
2022ની આઈએએસ તરીકેની ઉમેદવારી રદ કરવા તથા પરીક્ષાઓમાં બ્લેકલિસ્ટ કરવાની ચિમકી સાથે શો કોઝ નોટિસ પણ ફટકારાઈ
દિલ્હી પોલીસે ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી
મુંબઈ : ખોટી રીતે નોન ક્રિમી લેયરનો લાભ લેવા બદલ તથા ખોટાં મેડિકલ સર્ટિફિકેટ્સ આપવા સહિતના અનેક વિવાદોમાં સપડાયેલી ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરે પોતાની ઓળખ સહિતના સંખ્યાબંધ દસ્તાવેજો બદલી નાખીને મંજૂરી કરતાં વધારે એટેમ્પટ હાંસલ કરી છળપૂર્વક અને ગેરકાયદેસર રીતે પરીક્ષાઓ આપી હોવાનો પર્દાફાશ થતાં યુપીએસસીએ પૂજા ખેડકર સામે એફઆઈઆર નોંધાવી છે. પૂજાએ ૧૨ વાર યુપીએસસીની પરીક્ષાનો એટેમ્પ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન ૨૦૨૨માંથી તેમની ઉમેદવારી રદ કેમ ન કરવી અને ભવિષ્યની પરીક્ષા અથવા પદ પર ભરતી માટે શા માટે બ્લેક લિસ્ટ ન કરવી તેનાં કારણો જણાવવા માટે શો કોઝ નોટિસ પણ ફટકારાઈ છે. યુપીએસસીની ફરિયાદના આધારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા સામે તપાસ શરુ કરી છે.
પૂજા સામે સૌથી મોટો આક્ષેપ એ છે કે તેણે પોતાનું નામ, માતા પિતાનું નામ, ફોટો, સહી, ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર, એડ્રેસ સહિતની વિગતોમાં વારંવાર ફેરફાર કરીને મંજૂર કરવામાં આવેલા એટેમ્પ્ટ કરતાં પણ વધારે એટેમ્પ્ટ એટેન્ડ કરીને યુપીએસસીની પરીક્ષા આપી હતી. તેણે કુલ ૧૨ વખત પરીક્ષા આપ્યાનું જાણવા મળે છે.
દિલ્હી પોલીસના નિવેદન અનુસાર યુપીએસસીએ પૂજા મનોરમા દિલીપ ખેડકર સામે પોતાની ઓળખ અંગે ખોટી વિગતો રજૂ કરી છળકપટ આચરીને મંજૂર કરતાં વધારે એટેમ્પ્ટ હાંસલ કરી પરીક્ષાઓ આપી હોવાની ફરિયાદ મળી છે. તેની સામે સંબંધિત કલમો અંગે તપાસ ચાલુ કરાઈ છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તપાસનો હવાલો સંભાળી લેવામાં આવ્યો છે.
યુપીએસસી દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા એક અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું કે પૂજા ખેડકરની ગેરવર્તણૂંક બાબતમાં યુપીએસસીએ વિગતવાર અને ઝીણવટભરી તપાસ કરી છે. યુપીએસસીએ કહ્યું કે પોતાનું, પોતાના પિતાનું અને માતાનું નામ, ફોટોગ્રાફ/ સહી, ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબર, એડ્રેસ વિગેરે બદલીને પોતાની ઓળખ છુપાવીને પરીક્ષા આપવાના વધુ પ્રયત્નોનો છેતરપિંડીથી લાભ ઉઠાવ્યો હતો તેવી જાણ તપાસમાં થઇ છે. આથી યુપીએસસીએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત તેની ઉમેદવારી રદ કરવા અંગે 'શો કોઝ નોટિસ' મોકલી છે. તેવું કહ્યું હતું.
પૂજાએ ૨૦૨૨માં યુપીએસસીની પરીક્ષા આપી હતી. ૨૦૨૩માં તે ઉત્તીર્ણ થયા બાદ તેને આઈએએસ તરીકેની ઉમેદવાર બનાવાઈ હતી અને તેના હોમ સ્ટેટ મહારાષ્ટ્રની કેડર ફાળવવામાં ાવી હતી. મહારાષ્ટ્રમાં પુણેમાં તેની નિયુક્તિ પ્રોબેશનરી આઈએએસ ઓફિસર તરીકે થી હતી.
પૂણે જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં ટ્રેઇનિંગ દરમિયાન તેમને અધિકાર ન હોવા છતાં તેમણે વિશેષ સુવિધાઓની માગણી કરીને પોતાના પદ અને વિશેષાધિકારોનો દુરુપયોગ કર્યો હતો.તેમણે ખાનગી લકઝરી કાર પર લાલ-ભૂરી બત્તા લગાવી હતી અને વાહન પર 'મહારાષ્ટ્ર સરકાર' લખેલું હતું. આ ઉપરાંત તેણે લાયકાત નહિ હોવા છતાં પણ ક્વાર્ટર, કાર, સ્ટાફ વગેરેની માગણી કરી ત્રાસ વર્તાવ્યો હતો અને એક ડેપ્યુટી કલેક્ટરનો કક્ષ પણ પચાવી પાડયો હતો.
. પૂણે ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે રાજ્યના ચીફ સેક્રેટરીને પૂજાની ગેર વર્તણુક બાબતે ફરિયાદ કર્યા બાદ તેની વિદર્ભ ક્ષેત્રમાં આવેલા વાશિમમાં બદલી કરવામાં આવી હતી.
યુપીએસસી પોતાની બંધારણીય ફરજ પરિપૂર્ણ કરે છે અને તેમાં બંધારણ અનુસારની કાર્યપ્રણાલીનું પાલન કરે છે અને કોઇ પણ છૂટછાટ વગર ઝીણવટપૂર્વક વિગતો તપાસે છે તેવું આઇએએસની પરીક્ષાનું સંચાલન કરતી યુપીએસસીએ કહ્યું હતું.
પૂજા ખેડકર સામેના વિવિધ આક્ષેપો પ્રકાશમાં આવ્યા બાદ ૧૧મી જુલાઇએ કેન્દ્ર સરકારે એક સભ્યની તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિ મે બે સપ્તાહમાં રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું છે.
પૂજા ખેડકરે મલ્ટીપલ ડિસેબિલિટી (વિવિધ અક્ષમતા) ધરાવતા વ્યક્તિ તરીકે ઓબીસી શ્રેણીમાં સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન ૨૦૨૨માં ૮૨૧મો ક્રમ મેળવ્યો હતો તેવું યુપીએસસીના રેકોર્ડસથી જાણવા મળ્યું છે.
સરકારી ભરતી/ વિભાગમાં કુલ બેઠકોના ચાર ટકા અનામત રાખવાની જોગવાઇ ધ રાઇટસ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીસ એકટ, ૨૦૧૬ હેઠળ છે. ડિસેબિલિટીસ, ઓબીસી (નોન ક્રિમી લેયર) હેઠળના ઉમેદવારોને વયમર્યાદામાં છુટછાટ અને તેમની દ્વારા જ ભરી શકાય તેવી વેકેન્સીનો લાભ ઉપલબ્ધ હોય છે.
પરિવારની રૃા. ૮ લાખથી ઓછી આવક હોય ફક્ત તેવા જ ઓબીસી ઉમેદવારોને સરકારની કેટલીક ભરતીમાં નોનક્રિમી લેયર રિઝર્વેશનનો લાભ ઉપલબ્ધ હોય છે.