મુંબઈમાં પ્રદૂષણ વધવાનું શરુ, કોલાબા સૌથી વધુ પ્રદૂષિત

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
મુંબઈમાં  પ્રદૂષણ વધવાનું  શરુ, કોલાબા સૌથી વધુ પ્રદૂષિત 1 - image


એર ક્વોલિટી ઈન્ડેક્સ 318ના ચિંતાજનક સ્તરે

નવી મુંબઈ, મલાડ સહિતના વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા કથળીઃ બાંધકામ પ્રવૃત્તિ સહિતની ગતિવિધિઓથી પ્રદૂષણમાં વધારો

મુંબઈ :ચોમાસાની પૂર્ણાહુતિ સાથે જમુંબઈમાં ફરી હવા પ્રદૂષિત થવા લાગી છે. મંગચળવારે મુંબઈના કોલાબા વિસ્તારે અત્યંત નબળું ગણાતા ૩૧૮ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સાથે શહેરના સૌથી પ્રદુષિત વિસ્તારનું અણગમતું બિરુદ મેળવ્યું હતું. આ ચિંતાજનક ડાટા પુણે સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મીટીયોરોલોજીના ડિવિઝન સીસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટીંગ એન્ડ રિસર્ચ (એસએએફએઆર) દ્વારા આપવામાં આવ્યો હતો. જો કે આગામી દિવસોમાં મુંબઈના એક્યુઆઈમાં સુધારો થવાનું અનુમાન રાખવામાં આવે છે.

મુંબઈમાં નવેમ્બર ૨૦૨૨ અને માર્ચ ૨૦૨૩ દરમ્યાન એક્યુઆઈ સ્તર સતત 'અત્યંત નબળું' અને 'નબળું' રહ્યું છે જેના માટે હવાની ઓછી ગતિ, ઠંડા તાપમાન અને પ્રસંગોપાત કમોસમી વરસાદ સર્જતા જાગતિક અલ નિનોને જવાબદાર માનવામાં આવે છે. છેલ્લા આઠ મહિના દરમ્યાન મુંબઈમાં હવાની ગુણવત્તા ૧૫૦ના એક્યુઆઈ સાથે ઘટીને મધ્યમ સ્તરે પહોંચી છે. જો કે માર્ચ મહિનાથી શહેરનો એક્યુઆઈ ૭૫ની આસપાસ સંતોષજનક સ્તરે રહ્યો હતો.

મુંબઈના અન્ય વિસ્તારો પૈકી નવી મુંબઈમાં ૨૦૧, મલાડમાં ૨૦૦, મઝગાંવમાં ૧૭૦ અને અંધેરીમાં ૧૬૧નો એક્યુઆઈ નોંધાયો હતો.

એક્યુઆઈ મુખ્યત્વે હવામાં કાર્સિનોજેનિક રજકણો (પીએમ૨.૫)ની સાંદ્રતા પર નિર્ભર રહે છે, જેમાં વિવિધ શ્રેણીમાં અલગ અલગ જોખમો સંકળાયેલા હોય છે. ૫૦ સુધીનું સ્તર સારુ ગણાય છે જ્યારે ૫૧થી ૧૦૦ સંતોષજનક, ૧૦૧થી ૨૦૦ મધ્યમ, ૨૦૧થી ૩૦૦ નબળું અને ૩૦૧થી ૪૦૦ અત્યંત નબળું તેમજ ૪૦૦થી વધુ ગંભીર ગણાય છે.

મુંબઈમાં પ્રદુષણ માટે અનેક પરીબળો જવાબદાર હોય છે જેમાં વાહનોના ઉત્સર્જન, બાંધકામ પ્રવૃત્તિમાંથી ઊડતી ધૂળ, કચરો બાળવાથી થતા ધૂમાડા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ મુખ્ય છે.

મુંબઈમાં સમગ્ર અઠવાડિયા દરમ્યાન મહત્તમ તાપમાન ૩૩થી ૩૫ ડીગ્રી સેલ્શિયસની આસપાસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪થી ૨૫ ડીગ્રી સેલ્શિયસ આસપાસ રહ્યું હતું.



Google NewsGoogle News