વાયરલ વીડિયોમાં ખાનગી હોસ્પિટલોની પોલ ખોલાઈ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
વાયરલ વીડિયોમાં ખાનગી હોસ્પિટલોની પોલ ખોલાઈ 1 - image


મોટાભાગના ઓપરેશનો બિનજરૃરી હોવાનો આક્ષેપ

મેડિકલ એસોસિયેશને આ આરોપો ડોક્ટરોને બદનામ કરવાના ઈરાદાથી કરાયા હોવાનું કહીને ફગાવ્યા

મુંબઈ :  એક વાયરલ વીડિયોમાં ચોંકાવનારા આરોપો કરાયા છે કે મુંબઈની બહુવિધ ખાનગી હોસ્પિટલોમાં માત્ર આથક લાભ માટે બિનજરૃરી પ્રક્રિયાઓ અને સારવાર થઈ રહી છે. વીડિયોમાં દાવો કરાયો છે કે આ પ્રક્રિયાઓ હોસ્પિટલે નક્કી કરેલા લક્ષ્યાંકો પૂરા કરવા અને મોંઘા તબીબી ઉપકરણોમાં કરાયેલા રોકાણ પર વળતર સુનિશ્ચિત કરવા દર્દીઓને અનાવશ્યક પરીક્ષણો કરવાનું કહેવામાં આવે છે.

જો કે ખાનગી હોસ્પિટલોએ વીડિયો જૂનો હોવાનો તેમજ ડોક્ટરો અને હેલ્થકેર સંસ્થાઓની પ્રતિષ્ઠા ખરડાવવાના આશયથી ઈરાદાપૂર્વક બનાવાયો હોવાનું કહીને સાફ શબ્દોમાં આ આરોપો નકારી દીધા છે.

વીડિયોમાં વ્હીસલબ્લોઅરે દાવો કર્યો છે કે મોટાભાગના કાર્ડિયાક ઓપરેશનો, સ્ટેન્ટ પ્રક્રિયાઓ, ઘૂંટણ બદલીની પ્રક્રિયા, હિસ્ટેરેક્ટોમીસ, કેન્સરના ઓપરેશનો અને વંધ્યત્વ સારવારોની ખરી જરૃરીયાત વિના જ ભલામણ કરવામાં આવતી હોય છે જેના આંકડા ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ભૂતપૂર્વ સેક્રેટરીએ જણાવ્યું કે આવા આરોપો હોસ્પિટલો અને હેલ્થકેરની જોગવાઈ કરનારા પર જાહેર જનતામાં અવિશ્વાસ સર્જે છે જેના કારણે સમગ્ર યંત્રણા પર ગંભીર અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે આવા આરોપો પહેલીવાર નથી થયા. ૨૦૧૯માં પણ બીએમજે ગ્લોબર હેલ્થમાં પ્રકાશિત થયેલા લેખમાં મહારાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રનું વેપારીકરણ થયાનો આરોપ કરાયો હતો જેમાં મેડિકલ વ્યાવસાયિકો પર પડેલા પ્રભાવ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ લેખમાં વિગતવાર જણાવાયું હતું કે કેવી રીતે લક્ષ્યાંક અને પરફોર્મન્સથી પ્રેરિત કોર્પોરેટ હોસ્પિટલો બિનજરૃરી પરીક્ષણો અને સારવારનો આશ્રય લે છે અને આખરે ડોક્ટર-દર્દીના સંબંધ પર અસર કરીને વિશ્વાસનું હનન કરે છે.

રાજ્યના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ખાનગી હોસ્પિટલો વૈભવી હોટલો જેવા કલ્ચર સમાન કાર્ય કરે છે. કેટલીક ખાનગી હોસ્પિટલો લક્ષ્યાંક નિર્ધારીત કરતી હોવાથી ડોક્ટરો પર બિનજરૃરી પરીક્ષણ અને સારવાર કરવાનું દબાણ સર્જાય છે.

આ આરોપોએ આરોગ્ય ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી નિર્ધારીત કરવાની જરૃર પર ફરી ધ્યાન કેન્દ્રિત કર્યું છે.



Google NewsGoogle News