નવાબ મલિક સામે વાનખેડેએ કરેલો કેસ પોલીસ પુરાવાના અભાવે બંધ કરશે
એનસીપી નેતા સામેના એટ્રોસિટીના કેસમાં પુરાવા ન હોવાની નોંધ
પોલીસ મલિક સામે તપાસ કરતી નથી એટલે કેસ સીબીઆઈને સોંપવાની વાનખેડેની અરજીનો કોર્ટ દ્વારા નિકાલ
ઈન્ડિયન રેવેન્યુ સર્વિસીસ (આઈઆરએસ) અધિકારીએ ઓગસ્ટ ૨૦૨૨માં ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં મલિક સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જમાતી (એટ્રોસિટી વિરોધી) કાયદા હેઠળ કેસ કર્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસમાં એડિશનલ કમિશનર અને મહાર અનુસૂચિત જાતિના સભ્ય વાનખેડેએ કરેલી અરજીમાં આરોપ કયા હતોે કે આ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાથી પોતાને અને પોતાના પરિવારને માનસિક તણાવ અને અપમાનનો સામનો કરવો પડયો છે.આથી કેસ સીબીઆઈને સોંપવામાં આવે.
૧૪ જાન્યુઆરીએ અતિરિક્ત સરકારી વકીલ એસ. એસે. કૌશિકે ન્યા. રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની બેન્ચને જાણ કરી હતી કે કેસની તપાસ પોલીસે કરી છે અને તેમણે સી-સમરી રિપોર્ટ દાખલ કરવાનું નક્કી કર્યું છે.જ્યારે પોલીસ એવા તારણ પર આવે કે કેસમાં પુરાવા નથી અને કેસ સાચો કે ખોટો પણ નથી ત્યારે સી-સમરી રિપોર્ટ ફાઈલ કરવામાં આવે છે.
સંબંધીત નીચલી કોર્ટ સમક્ષ આવો રિપોર્ટ ફાઈલ થાય છે અને ફરિયાદી તેને પડકારી શકે છે તમામ પક્ષકારની સુનાવણી બાદ કોર્ટ રિપોર્ટ સ્વીકારી કે ફગાવી શકે છે.
પોલીસના નિવેદનને ધ્યાનમાં રાખતાં અરજીમાં હવે વિચારવાનું કશું રહેતું નથી એમ નોંધીને અરજીનો નિકાલ કર્યો હતો. કોર્ટે જોકે વાનખેડે માટે કાયદા અનુસાર યોગ્ય મંચ સમક્ષ જઈને યોગ્ય પગલાં લઈ શકે છે.અરજદારની ફરિયાદ કે તપાસને લઈને અમે કોઈ મંતવ્ય આપ્યા નથી તમામ પક્ષકારની બાજુ ખુલ્લી છે એમ કોર્ટે નોંધ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કોર્ટે પોલીસને તપાસ કરીને કેસનો તાર્કિક નિવેડો લાવવા જણાવ્યું હતું.
વાનખેડેએ પોતાની પોલીસ ફરિયાદમાં આરોપ કર્યો હતો કે મલિકે મુલાકાત અને સોશ્યલ મીડિયા પર વાનખેડે અને તેમના પરિવારના સભ્યોે સામે તેમની જાતિને આધારે બદનક્ષીભરી ટિપ્પણીઓ કરી છે. આ કેસમાં મલિકની ધરપકડ પણ નથી થઈ કે તેમની સામે આજ સુધી આરોપનામું પણ દાખલ થયું નથી.
હાઈકોર્ટમાં ૨૦ નવેમ્બરે કરેલી અરજીમાં વાનખેડેએ દાવો કર્યો હતો કે પોલીસે હજી તપાસ શરૂ કરી નથી અને આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે. કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ કરવાની પણ દાદ માગી હતી. પોલીસ યંત્રણાના લાસડિયા ખાતાને કારણે અરજદાર અને તેમના પરિવારના સભ્યોને પારાવાર વેદના અને અપમાન સહન કરવા પડયા છે, એમ અરજીમાં જણાવાયું હતું.
વધુમાં જણાવાયું હતું કે ૨૦૨૧માં વાનખેડેના પિતાએ મલિક સામે બદનક્ષીનો કેસ કર્યો હતો અને કોર્ટે મલિકને વધુ કોઈ નિવેદન નહીં કરવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં મલિકે બદનક્ષીભરી ટિપ્પણી ચાલુ રાખી હોવાનો દાવો કરાયો હતો.
રાજકીય બળ વાપરીને પોલીસ યંત્રણા પર પ્રભાવ પાડે છે અને તપાસમાં બાધા ઊભી કરી રહ્યા હોવાનું અરજીમાં જણાવાયું હતું. ડ્રગ કેસમાં જમાઈ સમીર ખાનની ૨૦૨૧માં ધરપકડ થયા બાદ મલિકે નિવેદનો કર્યા હતા. અગાઉ અધિકારીએ અનુસૂચિત જાતીના પંચ સામે ઓક્ટોબર ૨૦૨૧માં મલિક સામે પગલાં લેવાની ફરિયાદ કરી હતી.
મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપ પરથી કથિત ડ્રગ્સ જપ્તીના કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડને પગલે વાનખેડે વિવાદનું કેન્દ્ર બન્યા હતા. આર્યનને હાઈકોર્ટે ત્રણ સપ્તાહ બાદ જામીન આપ્યા હતા.