ફેરિયા સામે પોલીસ લાચાર બને ન ચાલે, જરુર પડે એસઆરપીએફ ઉતારોઃ હાઈકોર્ટ
ગેરકાયદે ફેરિયાઓને હટાવવાની જવાબદારી બીએમસી-પોલીસની
જ્યાં જુઓ ત્યાં ફેરિયા નજરે ચઢે છે, રસ્તા દેખાતા જ નથીઃ , 25 જાન્યુઆરી સુધીમાં એફિડેવિટ નોંધાવવાનો બીએમસીને નિર્દેશ
મુંબઈ : મુંબઈમાં વધુને વધુ ગંભીર બનતી જતી ગેરકાયદે ફેરિયાઓની સમસ્યાને મામલે બોમ્બે હાઇકોર્ટે ગઈ કાલે ફરીવાર બીએમસીને ફટકાર લગાવી હતી. આખા મુંબઈમાં અને ખાસ કરીને અંધેરી, મલાડ, કોલાબા અને કાંદિવલી સહિતના ઉપનગરોમાં જ્યાં જુઓ ત્યાં ફેરિયાઓ જ નજરે પડે છે, રસ્તા કે શેરી દેખાતા જ નથી એવી ટિપ્પણી હાઇ કોર્ટે કરી હતી.
રસ્તા અને ફૂટપાથો રોકીને બેસતા ફેરિયાઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેની નોંધ લઈને કોર્ટે જણાવ્યું હતું કે કદાચ કોઈ ફેરિયાઓને લાયસન્સ અપાયા હોય તો પણ એમને ફૂટપાથ કે સડકની વચ્ચે સ્ટોલ કે હાટડી માંડયાનો અધિકાર નથી. દક્ષિમ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને હાઇકોર્ટની વચ્ચેની ફૂટપાથો અને રસ્તા પર અધિકૃત ફેરિયા કેટલાં છે તેની વ્યવસ્થિત યાદી ૨૫મી જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં રજૂ કરવાનો વડી અદાલતે બીએમસીને આદેશ આપ્યો હતો.
કોર્ટે ભારપૂર્વક કહ્યું હતું કે કોઈ ફેરિયો વર્ષોથી એક ઠેકાણે સ્ટોલ માંડીને ધંધો કરતો હોય તો તેને આધારે એ ફેરિયાને ત્યાં ઊભા રહેવાનો સ્થાયી અધિકાર નથી મળી જતો.
ગેરકાયદે ફેરિયાઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી મહાપાલિકા અને પોલીસની જ છે. અદાલતે પહેલાં પણ મહાપાલિકાને કહ્યું છે કે ફેરિયા હટાવ ઝુંબેશ માટે પોલીસ દળ ઓછું પડતું હોય તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની મદદ મેળવો. ફેરિયાઓ હટાવવાની કામગીરી સંદર્ભે પોલીસ લાચારી દેખાડે એ કોઈ કાળે ચલાવી નહીં લેવાય.
હાઇ કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની સુનાવણી વખતે મહાપાલિકાએ જે વિસ્તારોમાં ફેરિયાઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે એ વિસ્તારોનો ઉલ્લેખ કર્યો હતો એ તમામ ૨૦ જગ્યાએ કાર્યવાહી ચાલુ જ રાખો.
સડક પર અડચણ વિના ચાલવાનો નાગરિકોનો અધિકાર
નાગરિકોને સડક ઉપર કોઈ પણ અડચણ વિના ચાલવાનો નાગરિકોનો અધિકાર છે. મુંબઈમાં તો સડક કે ફૂટપાથને બદલે જ્યાં જુઓ ત્યાં ફેરિયાઓ જ નજરે પડે છે. અનધિકૃત ફેરિયાઓની સમસ્યાઓની હાઇકોર્ટે સ્વયં નોંધ લીધી હતી. ન્યાયમૂર્તિ અજય ગડકરી અને ન્યાયમૂર્તિ કમલ ખાતાની બેન્ચે જણાવ્યું હતું કે જે ફેરિયા પાસે કાયદેસરના પરવાના ન હોય તેને હટાવવામાં આવે. આમ આદમી અને રાહદારીને કેટલી મુશ્કેલી ભોગવવી પડે છે એ પણ સમજવું જોઈએ.
ગમે એટલા વર્ષોથી ભલે ચાલતી હોય, પણ અવૈધ પ્રવૃત્તિથી કોઈ અધિકાર નથી મળી જતો. ફેરિયાઓ વિરુદ્ધની કાર્યવાહીના નામે લોકોની આંખોમાં ધૂળ ઝોંકવામાં આવે છે એવી ટિપ્પણી કરવામાં આવી હતી.