હાઈવે પર હુક્કાની જોગવાઈ કરી આપતા ઢાબા પર પોલીસના દરોડા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
હાઈવે પર હુક્કાની જોગવાઈ કરી આપતા  ઢાબા પર પોલીસના દરોડા 1 - image


ગેરકાયદે ઢાબા સામે પોલીસની  કાર્યવાહી

મુંબઈ :  મુંબઈ-નાશિક નેશનલ હાઈવે પર ખોલવામાં આવેલા ડઝનબંધ ઢાબા નાઈટ લાઈફ અને ગેરકાયદેસર હુક્કા પાર્લરના કારણે કુખ્યાત થઈ રહ્યા છે. આ ઢાબા મોડી રાત સુધી ખુલ્લા રહે છે. ખાસ કરીને વીકએન્ડ પર ખાસ્સી ભીડ રહે છે. પણ હવે પોલીસે આવા ઢાબા સામે કાર્યવાહી કરવાનું શરૃ કર્યું છે.

ટથાણે ગ્રામીણ પોલીસ અધિક્ષકે ગણેશપુરી અને ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનને આવા તમામ ઢાબા સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પોલીસના આદેશ અનુસાર હવેથી હાઈવે પરના ઢાબા નિર્ધારીત સમય સુધી જ ખુલ્લા રાખી શકાશે.

જો કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઢાબા માલિકો પોલીસની કાર્યવાહીથી બચવા બહારની લાઈટ બંધ રાખીને પોતાનું કામકાજ ચાલુ રાખી રહ્યા છે.

નિયમ અનુસાર નેશનલ હાઈવે સહિત અન્ય વિસ્તારોમાં રાત્રે ૧૧ વાગ્યા પછી તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે. પણ અહીં અનેક ઢાબા પર સાંજથી સવાર સુધી ભીડ રહે છે. સૂત્રો અનુસાર મોડી રાત્રે ઢાબા પર ડ્રગ્સ વેંચનારા આવે છે. ઉપરાંત અહીં ગુનાહિત ઘટનાઓ પણ વારંવાર બનતી રહે છે. ભિવંડીના મોટાભાગના ઢાબામાં પ્રતિબંધિત હુક્કાની જોગવાઈ કરવાનો અવૈધ કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે.

આથી જ ભિવંડી તાલુકા પોલીસે ઢાબા માલિકો સામે કાનૂની કાર્યવાહી શરૃ કરી છે. પોલીસે ઢાબા, હોટલ અને લોજ સંચાલકોને નોટિસ આપીને ચેતવણી આપી છે કે તેમણે રાત્રે ૧૧.૩૦ કલાક  સુધીમાં તેમનું કામ બંધ કરી દેવું પડશે. ત્યાર પછી ખુલ્લા રહેનારા ઢાબા સામે કાર્યવાહી થશે. ઉપરાંત તેમને બે દિવસની અંદર સંબંધિત વિભાગો પાસેથી પોતાનો વ્યવસાય ચલાવવા માટે મંજૂરી લેવા જણાવાયું છે જેના વિના તેમની સામે કાર્યાવાહી થશે.


Google NewsGoogle News