Get The App

બિલ્ડર લલિત ટેકચંદાનીના ઘર, ઓફિસો પર પોલીસના દરોડા

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
બિલ્ડર લલિત ટેકચંદાનીના ઘર, ઓફિસો પર પોલીસના દરોડા 1 - image


160 ગ્રાહકો સાથે 44 કરોડની ઠગાઈ

છેંતરપિંડીની રકમ મોટી હોવાથી આર્થિક ગુના શાખાએ તપાસનો દોર સંભાળ્યો

મુંબઇ :  મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબલ્યુ) એ બિલ્ડર લલિત ટેકચંદાનીના મુંબઇના વિવિધ ઠેકાણાઓ પર છાપો મારી તપાસ હાથ ધરી હતી. ટેકચંદાની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સંદર્ભે સૂત્રોનુસાર ટેકચંદાનીના નિવાસસ્થાન, ઓફિસ અને મુંબઇમાં આવેલ અન્ય બે ઠેકાણાઓ પર છાપામારીની કાર્યવાહી કરવામાં આવી હતી.

મુંબઇ પોલીસે ગયા અઠવાડિયે ટેકચંદાની, તેની પત્ની અને સુપ્રીમ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટરો અને અન્ય લોકો સામે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંદી હતી. આ કેસમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે નવી મુંબઇના તળોજામાં ટેકચંદાનીના એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ૩૬ લાખ રૃપિયા રોકી ફ્લેટ બુક કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ ૨૦૧૭માં પૂર્ણ થઇ જશે તેવું કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું તેમ છતાં ૨૦૧૬માં પ્રોજેક્ટનું કામ અટકી પડયું હતું. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સેંકડો લોકોએ ટેકચંદાનીના પ્રોજેક્ટમાં ઘર લેવા પેમેન્ટ કર્યું હતું. જો કે આ લોકોને ફ્લેટ તો મળ્યો  ન હતો પણ તેમના પૈસા પણ પાછા મળ્યા નહોતા.

પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ટેકચંદાની અને અન્યો સામે આઇપીસીની કલમ ૪૨૦, ૪૦૬ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ અનુસાર આ મામલે છેતરપિંડીની રકમ મોટી હોવાથી આર્થિક ગુના શાખા આ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે. ટેકચંદાની અને અન્યો સામે તળોજા પોલીસ મથકમાં નોંધાયેલા એફઆઇઆરમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે આરોપીએ નવી મુંબઇના ખારઘરમાં તેમના અન્ય એક પ્રોજેક્ટમાં ૧૬૦ ગ્રાહકો સાથે રૃા. ૪૪ કરોડની છેતરપિંડી આચરી છે.



Google NewsGoogle News