યોગ્ય વર્ક પરમિટ વિના જ બોલીવૂડમાં કામ કરતા વિદેશી નાગરિકોની પોલીસ તપાસ
ટૂરિસ્ટ વિઝા ધરાવનારા પણ ફિલ્મોમાં કામ કરે છે
ફિલ્મ ઉદ્યોગના કલાકારો તથા ટેકનિશિયનોનાં અનેક સંગઠનોનાં ફેડરેશન દ્વારા સભ્યોને ચેતવણીઃ વિદેશી ક્રૂની યાદી જાહેર કરવા નિર્દેશ
મુંબઇ : સંખ્યાબંધ વિદેશી નાગરિકો પ્રોપર વર્ક પરમિટ વિના જ બોલીવૂડમાં ફિલ્મોમાં વિવિધ કામગીરી કરી રહ્યા હોવા બાબતે પોલીસ સક્રિય થઈ છે. જુદી જુદી ફિલ્માના સેટ પર આવા વિદેશીઓ મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૃ કરી છે. પોલીસના એક સ્ત્રોતે કહ્યું કે 'અમે એક ફિલ્મસેટ પર ગયા હતા અને ત્યાં ટૂરિસ્ટ વિઝા ધરાવતા વિદેશીઓ કામ કરતા હોવાની જાણ થઈ હતી. અમે આ કેસની તપાસ કરી રહ્યા છે અને એકવાર તપાસ પૂરી થશે તે પછી વધુ માહિતી આપી શકીશું.'
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા લિ.ને એમ્પ્લોયીઝ (એફડબલ્યુઆઇસીઈ)એ યોગ્ય વર્ક પરમિટ ધરાવતા વિદેશીઓને જ ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં કામ કરવાની છૂટ આપવી જોઈએ તેવો પત્ર તેમના સભ્યોને પાઠવ્યો છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર 'ફિલ્મ ઉદ્યોગમાં ફક્ત વર્ક પરમિટ ધરાવતા વિદેશીને કામ કરવાની છૂટ છે, આવી વર્ક પરમિટ વગર સેટ પર કામ કરતા વિદેશી સાથે અચાનક જ કંઈ દુર્ઘટના બને તો કેવી મુશ્કેલી ઉભી થશે? સમગ્ર ફિલ્મ ઉદ્યોગને જવાબદાર ગણવામાં આવશે.'
ફિલ્મ પ્રોડયુસરોની સંસ્થાને અમે તેમના સેટ પર કામ કરતા વિદેશીઓની યાદી આપવા વિનંતી કરી હતી.
એફડબલ્યુઆઇસીઈએ ફિલ્મ નિર્માતાઓની સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે 'સરકારી માપદંડો અનુસાર યોગ્ય વર્ક વિઝા અને અન્ય જરૃરી દસ્તાવેજો વગર કોઈ વિદેશીને કામ આપવું નહીં તેવી સૂચના તમારા સભ્યોને આપવા અમે તમને વિનંતી કરીએ છે. 'સેટ પર કોઈ દુર્ઘટના નહીં બને તેની તકેદારી રાખવા આપણે તમામ ભારતીય નાગરિકોએ આનું પાલન કરવાનું ફરજિયાત છે. આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિથી આપણા દેશને અને આપણાં ક્રૂના (કર્મચારીઓ) સભ્યોને મોટું નુકસાન થઈ શકે છે.