ભાવેશ ભિંડેની જામીન અરજી પર પોલીસને સોંગદનામું દાખલ કરવા નિર્દેશ
ધરપકડને ગેરકાયદ ઠેરવીને કેસ રદ કરવા ઈગો મીડિયાના માલિકની માગણી
17નો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશને કાયદે હેઠળ જરૃરી આગોતરા નોટિસ આપી ન હોવાની નોંધ
મુંબઇ : મુંબઇના પરાં ઘાટકોપરમા હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં જાહેરાત કંપનીના ડિરેક્ટર અને મુખ્ય આરોપી ભાવેશ ભિંડેએ કરેલી જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે પોલીસને જવાબમાં વિસ્તૃત સોગંદનામું નોંધાવવા નિર્દેશ આપ્યો છે.
કોર્ટે નોંધ કરી હતી કે અરજીમાં ગેરકાયદે ધરપકડનો મુદ્દો પણ ઉપસ્થિત થયો છે કેમ કે આરોપીને ફોજદારી દંડ સંહિતાની કલમ ૪૧ (એ) હેઠળ જરૃરી નોટિસ આપવામાં આવી ન હોતી. પોલીસે આ કેસમાં તેનું વલણ સ્પષ્ટ કરવાનું રહેશે કેમ કે અનેક ચુકાદાઓમાં જણાવાયું છે કે ગેરકાયેદ અટકાતમાં તાત્કાલિક મુક્તિ આપવી પડે છે. સરકારી વકિલે વિસ્તૃત સોગંદનામું દાખલ કરવામાં અવાશે એમ જણાવતાં કોર્ટે ૨૬ જુલાઈ પર સુનાવણી રાખી છે.
ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ભાવેશ ભિંડેએ ધરપકડને પડકારતી અરજી કરી છે અને અરજીનો નિકાલ આવે ત્યાં સુધી પોતાને જામીન આપવામાં આવે એવી અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરી છે. જેમાં ભિંડેએ જણાવ્યું છે કે ૧૩મેના રોજ હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બની હતી જેમાં ૧૭ જણના મોત થયા હતા અને ૮૦ લોકો જખ્મી થયા હતા એ કુદરતી આપત્તિનો એક ભાગ હતો. તેથી આ માટે મને જવાબદાર ગણવામાં ન આવે. ભિંડેએ જામીન અરજીમાં જણાવ્યું છે કે આ 'એકટ ઓફ ગોડ' એટલે કે નૈસર્ગિક આપત્તિ હતી. આ સાથે જ આ દાવો સાચો ઠેરવવા તેની અરજીમાં બ્યુફોર્ટ સ્કેલનો ઉલ્લેખ કર્યો છે જે અનુસાર પવનનો વેગ માપવામાં આવે છે.
ભિંડેએ તેની અરજીમાં એવું પણ જણાવ્યું છે કે ૧૨મે, ૨૦૨૪ના રોજ બપોરે ૧.૪૫ વાગ્યે હવામાન વિશે જે અંદાજ ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યો હતો તેમાં મુંબઇમા તોફાની આંધી અથવા જોરદાર પવન વહેશે તેવી કોઇ શક્યતા દર્શાવી નહોતી. જોકે ૧૩મેના રોજ કલાકે ૬૦ કિ.મી.થી ૯૬ કિ.મી.નો પવન ફૂંકાતા તેનો ફટકો મુંબઇને પડયો હતો. આ બાબત કુદરતી હતી અને આ પહેલા આવું કોઇએ અનુભવ્યું નહોતું. તેથી જે પરિસ્થિતિ ઉદ્ભવી એ એક પ્રકારની કુદરતી આફત હતી અને આ 'એકટ ઓફ ગોડ' હતું તેવું અરજીમાં કહેવામાં આવ્યું છે.
૧૩મે, ૨૦૨૪ના રોજ જોરદાર પવન ફૂંકાતા ઘાટકોપર (ઇ)માં લગાવવામાં આવેલ એક મહાકાય હોર્ડિંગ અહીંના એક પેટ્રોલ પંપ પર તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં ૧૪ વ્યક્તિના મૃતદેહ હોર્ડિંગના કાટમાળ હેઠળથી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન અન્ય મોત થતા મૃતકોનો આંકડો ૧૭ પર પહોંચી ગયા હતા. જેથી આ દુર્ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવી ભિંડેએ આ પોતાને જામીન આપવામાં આવે તેવી માગણી કરી હતી.