સલમાનના ઘર પર ગોળીબાર કેસના 3 આરોપીને 8 મે સુધી પોલીસ કસ્ટડી
કાવતરુંખુલ્લું પાડવા વધુ તપાસની આવશ્યતા હોવાની દલીલ
જોકે, 4માંથી 1 આરોપી ચંદેર બિશ્નોઈને તબીબી કારણસર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ
મુંબઈ : બોલીવુડ સ્ટાર સલમાન ખાનના બાંદરા ખાતેના નિવાસસ્થાને ગોળીબાર ની ઘટના સંબંધે પકડાયેલા ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી વિશેષ કોર્ટે આઠ મે સુધી લંબાવી છે.
વિશેષ અમેસીઓસીએ જજ એ. એમ. પાટીલે આરોપી વિકી ગુપ્તા, સાગર પાલ અને અનુજ થાપનને પોલીસ કસ્ટડી આપી છે અને સોનુ કુમાર, ચાંદેર બિશ્નોઈને તબીબી કારણસર અદાલતી કસ્ટડી અપાઈ છે.
પોલીસે શનિવારે કથિત શૂટર ગુપ્તા અને પાલ તેમ જ શસ્ત્રો પૂરા પાડવાના આરોપનો સામનો કરી રહેલા બિશ્નોઈ અને થાપન સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કર્યો છે. કેસમાં ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલને ફરાર દર્શાવાયા છે. અગાઉ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને શસ્ત્ર કાયદા હેઠળ કેસ નોંધાયો હતો.
સરકારી વકિલ જયસિંહ દેસાઈએ આરોપીની કસ્ટડી માગીને જણાવ્યું હતું કે પોલીસને કાવતરું ઉઘાડું પાડવા વિસ્તૃત તપાસ કરવાની જરૃર છે.
બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ૧૪ એપ્રિલના પરોઢિયે બે મોટરસાઈકલ સવારોએ ગોળીબાર કર્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોધ્યો હતો.
ગુપ્તા અને પાલ બંને બિહારના રહેવાસી છે અને ૧૬ એપ્રિલે ગુજરાતના કચ્છમાંથી ઝડપાયા હતા અને સોનુ તથા થાપન પંજાબથી ગત પચ્ચીસમી એપ્રિલે પકડાયા હતા. લોરન્સ બિશ્નોઈ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે તેની સામે અનેક ગુના નોધાયા છે.
અનમોલ બિશ્નોઈ કેનેડા રહે છે અને તેણે ફેસબુક પોસ્ટ પર ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. તેનું આઈપી એડ્રેસ જોકે પોર્ટુગલનું હોવાનું જણાયું હતું.