કોરિયોગ્રાફરના ડાન્સને રુપજીવીનાના કોઠા સાથે સરખાવતાં પોલીસ ફરિયાદ

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
કોરિયોગ્રાફરના ડાન્સને રુપજીવીનાના કોઠા સાથે સરખાવતાં પોલીસ ફરિયાદ 1 - image


ઓનલાઈન યૂઝરે કોલેજ કાર્યક્રમો પર કોમેન્ટ કર્યા બાદ વિવાદ

મુંબઇની પ્રોફેશનલ કોરિયોગ્રાફરના ફોટાનો  મંજૂરી વગર ઉપયોગ કરી ભદ્દી  ટિપ્પણી કરાતાં  મુંબઈ પોલીસની તપાસ

મુંબઇ: મુંબઇની પ્રોફેશનલ કોરિયોગ્રાફર યુવતીનો વીડિયોનો સોશિયલ મીડિયા પર એક યુઝરે કોલેજોમાં થતા કલ્ચરલ કાર્યક્રમો પર ટિપ્પણી કરવા માટે ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર યુવતીએ મુંબઇ પોલીસ અને હરિયાણાના સાયબર સિક્યોરિટી એક્સપર્ટની મદદ માંગી છે. યુઝરે યુવતીના વીડિયોને વેશ્યાના કોઠામાં થતા ડાન્સ સાથે સરખાવતા યુવતીએ ભારે આક્રોશ વ્યક્ત કરી મુંબઈ પોલીસનો સંપર્ક  કર્યો હતો. 

શ્રુતિ પરિજા નામની ડાન્સરનો વીડિયો ટ્વીટર પર પ્રતીક આર્યન નામના શખસે પોસ્ટ કરીને તેના પર ઘણી ટિપ્પણીઓ કરી છે. શ્રુતિએ આ વીડિયો હટાવવાની વારંવાર વિનંતી કરતાં છતાં યુઝર ન માનવાથી શનિવારે તેણે ે ટ્વીટર પર મુંબઇ પોલીસનો સંપર્ક કર્યો હતો. આર્યને લખ્યું હતું કે કોલેજમાં થતા સાંસ્કૃતિક ઉત્સવોમાં આઇટમ સોંગ્સ પર નાચ થાય છે. ભારતીય સ્કૂલો અને કોલેજો, તેમાં આયોજનના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જાણીતી છે. જેમાં ડાન્સ વડે ધાર્મિક તથા પારંપારિક સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવે છે. પણ હવે આ કાર્યક્રમો કોઠા જેવા બની ગયા છે. દેશમાં શિક્ષણ વ્યવસ્થાની સાથે સાથે  સાંસ્કૃતિક વ્યવસ્થા પણ હવે ખતરામાં છે. નવી પેઢી અને વર્તમાનની કોલેજોનું આ પતન છે.

આર્યનની આ પોસ્ટનો જવાબ આપતા પરિજાએ સ્પષ્ટ કર્યું હતું કે તે કોઇ કોલેજની વિદ્યાર્થિનીની નથી અને આ વીડિયો કોઇ કોલેજના કાર્યક્રમનો નથી પણ તે એક પ્રોફેશનલ કલાકાર છે. યુવતીએ મુંબઇ પોલીસ અને સાયબર સુરક્ષા નિષ્ણાત ટંડન રક્ષિતને ટેગ કરીને લખ્યું હતું કે 'આર્યન નામના યુઝરે અનંત વિનંતીઓ બાદ પણ મારો વીડિયો હટાવ્યો નથી. મારા ડાન્સને કોઠામાં થતા નૃત્ય સાથે સરખાવીને મને બદનામ કરી મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યો છે. વીડિયો હટાવવાનો ઇન્કાર કરી મને બ્લેકમેલ પણ કરી રહ્યો છે.' 

પોલીસે પોસ્ટ પર  પ્રતિક્રિયા આપીને યુવતી પાસેથી વિગતો માગી હતી. જો કે આ મુદ્દે નેટિઝન્સના બે વર્ગ પડી ગયા છે. કેટલાક લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે શ્રુતિએ જ્યારે પોતાનો વીડિયો પબ્લિક પ્લેટફોર્મ પર વહેતો કર્યો હોય તો તે કોઇ યુઝરને તેની પોસ્ટમાંથી વીડિયો હટાવવાનું ન કહી શકે જ્યારે અન્ય લોકોએ આર્યન તરફ આંગળી ચીંધતી કહ્યું હતું કે તેણે આ વીડિયો જુદા સંદર્ભમાં વાપર્યો છે અને જેનો વીડિયો છે તે પોતે વિનંતી કરે તો આર્યને વીડિયો ડિલિટ કરવો જોઇએ. 


Google NewsGoogle News