નવદંપતી અનંત-રાધિકા અંબાણીને પીએમ મોદીએ આશીર્વાદ પાઠવ્યા
- શુભેચ્છા પાઠવવા નેતાઓ, કલાકારો, ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ ઉમટયા
- દ્વારકા તથા જોશીમઠના શંકરાચાર્ય, સ્વામી રામભદ્રાચાર્ય સહિતના ધર્મગુરુઓએ પણ શુભાશિષ આપ્યા, ક્રિકેટરો સહિતના સેલેબ્સ હાજર
મુંબઇ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ર અનંત અંબાણીનાં લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે શુક્રવારે રાતે સંપન્ન થયા બાદ શનિવારે શુભ આશીર્વાદનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નવદંપતીને શુભેચ્છા પાઠવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. તેમણે નવદંપતીને સંસારજીવનના પ્રારંભ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. નવદંપતીએ વડાપ્રધાનને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
મુંબઈના બીકેસી ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા શુભ આશીર્વાદ સમારોહમાં નવ દંપતીન શુભેચ્છા પાઠવા નેતાઓ, ઉદ્યોગપતિઓ, બોલીવૂડ તથા સાઉથના કલાકારો, ધર્મગુરુઓ, ક્રિકેટરો તથા અન્ય ક્ષેત્રોના મહાનુભવોનો મેળાવડો જામ્યો હતો.
દ્વારકાના સ્વામી સદાનંદ સરસ્વતી શંકરાચાર્ય, જોશમીથના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી, બદ્રીનાથ ધામના બાલક યોગેશ્વરદાસજી મહારાજ , સ્વામી રામભદ્રાચાર્ય, સાધ્વી ઋતંભરા સહિતના ધર્મગુરુઓ શુભાશિષ પાઠવવા માટે પધાર્યા હતા.
ફિલ્મ કલાકારોમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન,રજનીકાંત , સલમાન ખાન , હૃતિક રોશન, માધુરી દિક્ષિત, વિદ્યા બાલન, શાહિદ કપૂર, રણબીર અને આલિયા, રીતેશ દેશમુખ અને જેનેલિયા, કાજલ અગ્રવાલ, ઐશ્વર્યા રાય, હેમા માલિની , જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકી ટીવી સેલિબ્રિટી કિમ કાર્દશિયને ટ્રેડિશનલ ભારતીય પરિધાનમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ખેલાડીઓમાં મહેન્દ્ર સિંહ ધોની, સૂર્ય કુમાર યાદવ , બુમરાહ, સાનિયા મિર્ઝા ઉપરાંત મહિલા બોક્સર મેરી કોમે પણ હાજર રહી દંપતીને શુભેચ્છા પાઠવી હતી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ઉપરાંત રાજનેતાઓમાં અખિલેશ યાદવ, કપિલ સિબ્બલ, ચિરાગ પાસવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.