કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળાબજાર મુદ્દે બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ
કોન્સર્ટ, લાઈવ શોની ટિકિટોના વેચાણમાં ગેરરીતિ,કાળાબજારીનો આરોપ
આઈપીએલ, ક્રિકેટ મેચો, દોસાંજેને કોન્સર્ટમાં પણ આવી જ ગેરરીતી થઈ હોવાની દલીલ પોલીસ તપાસ ચાલુ હોવાનું નોંધી દિવાળી પછી સુનાવણી
મુંબઈ : નવી મુંબઈમાં જાન્યુઆરી ૨૦૨૫માં થનારા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેના અતિ પ્રતિક્ષીત કોન્સર્ટ માટે ટિકિટના ઓનલાઈન વેચાણ દરમ્યાન કથિત થયેલી ગેરરીતિની પાર્શ્વભૂમિમાં બોમ્બે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરીને મોટા કાર્યક્રમોમાં કાળા બજારી અને જથ્થાબંધ ખરીદીને અટકાવવા નિયમાવલી લાવવાની દાદ માગવામાં આવી છે.
મુખ્ય ન્યા. ડી. કે. ઉપાધ્યાય અને ન્યા. અમિત બોરકરની બેન્ચ સમક્ષ તાકીદની સુનાવણી માટે અરજી લિસ્ટ થઈ હતી. વકીલ અમિત વ્યાસે કરેલી જનહિત અરજીમાં જણાવાયું હતું કે મોટા કાર્યક્રમો જેવા કે કોન્સર્ટ, લાઈવ શો વગેરે માટેની ટિકિટના વેચાણ દરમ્યાન ગેરરીતિ અને કાળાબજારી થાય છે. આવી ગેરરીતિ ગયા મહિને કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો બુક માય શો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ ત્યારે પણ જોવા મળી હોવાનો દાવો અરજદારે કર્યો હતો.
વ્યાસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કેટલીક સેકન્ડરી વેબસાઈટો હજી પણ કોન્ડપ્લે કોન્સર્ટની ટિકિટો ઊંચા ભાવે વેચી રહી છે. પોલીસ તપાસ ચાલુ હોવાનું નોંધીને કોર્ટે સુનાવણી દિવાળી વેકેશન બાદ નવેમ્બરમાં રાખી છે.
આઈપીએલ મેચો, ક્રિકેટ વર્લ્ડ કપ મેચો અને ટેલર સ્વિફ્ટ તેમજ દિલજીત દોસાંજના કોન્સર્ટમાં પણ આ રીતની ગેરરીતિ જોવા મળી હોવાનો જનહિત અરજીમાં દાવો કરાયો હતો.
આયોજકો અને ટિકિટ પાર્ટનરો ટિકિટ્સ સેકન્ડરી વેબસાઈટ પર ઊંચા ભાવે ટિકિટ લિસ્ટ કરીને ચાહકોને લૂંટે છે.
બુક માય શો પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ટિકિટનું વેચાણ એવી રીતે કરાયું હતું કે ટિકિટ ઉપલબ્ધ થાય એ પહેલાં લોકો લોગ આઈટ કરાયા હતા અને એક્સેસ અપાઈ નહોતી, એમ જનહિત અરજીમાં આરોપ કરાયો હતો. ગણતરીની મિનિટોમાં જ ત્રણે શોની ટિકિટ વેચાઈ ગયાનું દર્શાવાયું હતું જ્યારે સેકન્ડરી વેબસાઈટ પર ઊંચા ભાવે ઉપલબ્ધ જોવા મળી હતી.
વ્યાસે ગયા મહિને પોલીસ ફરિયાદ કરી હતી અને આર્થિક ગુના શાખા તપાસ કરી રહી છે. જાહેર કાર્યક્રમોમા ંસામેલ થવાના મૂળભૂત અધિકારથી લોકોને વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનું અરજીમાં જણાવાયું હતું. ટિકિટ ક્ષેત્રે અસરકારક નિયમાવલીના અભાવે નિયમો પાળવામાં આવતા નહોવાનો દાવો અરજીમાં કરાયો હતો.