ચીનના જાસૂસ તરીકે 'ઝડપાયેલાં' કબૂતરની 8 મહિને મુક્તિ
પરેલની એનિમલ હોસ્પિટલની કસ્ટડીમાં કેદ હતું
તાઈવાનની રેસનું કબૂતર દિશા ભૂલી ભારત આવી ગયું હતું, ચાઈનીઝ સ્ક્રિપ્ટના સંદેશા તથા વીંટી હોવાથી કેદ ભોગવવી પડી
જાસૂસીની કલમ પડતી મુકાયા બાદ પોલીસ કબૂતરને ભૂલી ગઈ, આખરે હોસ્પિટલવાળાઓએ પત્રવ્યવહાર કરી મંજૂરી બાદ છોડયું
મુંબઇ : આઠ મહિના પહેલા પોલીસે ચીનના જાસૂસ હોવાની શંકાને આધારે પકડેલા એક કબૂતરને અંતે આઠ મહિના બાદ મુક્ત કરવામાં આવ્યું હતું. આઠ મહિના પહેલા જ્યારે આ કબૂતર મળી આવ્યું હતું ત્યારે તેના પગમાં વીંટીઓ (રિંગ) અને અમૂક સંદેશાઓ બાંધેલા મળી આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા આઠ મહિનાથી આ શંકાસ્પદ કબૂતર પરેલની બાઇ સાકરબાઇ દિનશા પેટિટ હોસ્પિટલ ફોર એનિમલની કસ્ટડીમાં હતું.
આ સંદર્ભે વધુ માહિતી મુજબ ગયા વર્ષે ૧૭મેના રોજ આરસીએફ પોલીસ દ્વારા તેમની હદમાં આવતા પીર પાઉ જેટ્ટી (રાસાયણિક જેટ્ટી) પરથી આ કબૂતર પકડવામાં આવ્યું હતું. આ કબૂતરના પગ સાથે તાંબા અને એલ્યુમિનિયમની બે વીંટીઓ અને તેની બંને પાંખોની નીચેની બાજુએ ચાઇનીઝ જેવી સ્ક્રિપ્ટમાં લખેલા સંદેશાઓ મળી આવ્યા હતા. પરિણામે પોલીસને આ કબૂતર 'ચીનનું જાસૂસી કબૂતર હોવાની શંકા ગઇ હતી. કબૂતર સાથે મળી આવેલી રિંગોને ફોરેન્સિક ટેસ્ટ અને કબૂતરને વધુ તપાસ માટે પરેલની સાકરબાઇ પેટિટ હોસ્પિટલમાં વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યું હતું.
આ સંદર્ભે હોસ્પિટલના મેનેજરના જણાવ્યાનુસાર પક્ષીની તબિયત સારી હોવાનું જણાયું હતું. જો કે અમને પોલીસે કસ્ટડીમાં આ કબૂતર આપ્યું હોવાથી અને તેમની પરવાનગી વગર તેની મુક્ત કરી શકતા નહોતા. આ સંદર્ભે આરસીએફ પોલીસ સ્ટેશનના એપીઆઇ પાટિલના જણાવ્યા મુજબ આ કબૂતર તાઇવાનમાં ખુલ્લા પાણીમાં યોજાતી રેસિંગમાં ભાગ લેવા આ કબૂતરનો ઉપયોગ કરવામાં આવે છે. તે ભૂલથી દેશ છોડી ભારતમાં આવી ગયું હોવાની શક્યતા હતી. આ ઘટના બાદ જાસૂસીની કલમ પડતી મૂકવામાં આવી હતી. પોલીસને એવું લાગ્યું હતું કે કબૂતરને છોડી મૂકવામાં આવ્યું હશે. આ વાત બહાર આવ્યા બાદ હોસ્પિટલે ફરીથી પોલીસ સાથે પત્ર વ્યવહાર હાથ ધર્યો હતો અને અંતે મંગળવારે તેને છોડી મૂકવામાં આવ્યું હતું.
વિવિધ સારવાર અને અન્ય કારણોસર સતત પક્ષીઓથી ઉભરાતી આ હોસ્પિટલે કબૂતરને છોડયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે હોસ્પિટલમાં હાલ આઠ પક્ષીઓના પાંજરા છે તેથી સતત આવતા નવા પક્ષીઓ માટે જગ્યા થઇ હતી.