વર્લી હિટ એન્ડ રન કેસના આરોપી મિહિર શાહની મુક્તિ માટે અરજી
ધરપકડ ગેરકાયદેસર હોવાનો અરજીમાં દાવો
ધરપકડ પાછળના કારણો જણાવ્યા નહિ હોવાની દલીલઃ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી
મુંબઇ : વર્લી બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસના આરોપી મિહિર શાહે પોતાની ધરપકડ ગેરકાયદેસર હતી અને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરી છે.
૭મી જુલાઇએ ડો.એની બેસેંટ રોડ પર સ્કૂટરને બીએમડબલ્યુ કારે ટક્કર મારી હતી અને સ્કૂટર પર બેઠેલી મહિલા કારના બોનેટ પર લગભગ બે કિલોમીટર સુધી ધસડાઇ હતી.
ગત સપ્તાહમાં બોમ્બે હાઇકોર્ટમાં કરેલી મિહિર શાહે હેબિયસ કોર્પસ (વ્યક્તિને હાજર કરો) પીટિશન કરી હતી. મિહિર શાહે દાવો કર્યો હતો કે તેની અટકાયત ગેરકાયદેસર છે. બુધવારે જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચ સુનાવણી કરશે તેવી સંભાવના છે.
કાર અકસ્માતનો ભોગ બનેલી મહિલા કારના બોન્ટ પર પડી હતી તેવી હાલતમાં પણ મિહિરે વાહન બાંદ્રા વર્લી સીલિન્ક તરફ હંકારી મૂક્યું હતું તેવો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. મિહિર શાહ કથિત રીતે શરાબના નશામાં હતો અને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તેવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે જો કે મિહિર શાહના ફોરેન્સિક રિપોર્ટમાં (લોહી, પેશાબનો નમૂનો) શરાબના તત્વો મળી આવ્યા ન હતા. પોલીસના સ્ત્રોતો અનુસાર આરોપીની અકસ્માતના ૫૮ કલાક પછી ઝડપાયો હતો આથી તેના શરીરમાંથી આલ્કોહોલના તત્વો બહાર નીકળી ગયા હોય તેવું બની શકે છે.
આ કેસના સંદર્ભમાં મિહિર શાહના પિતા રાજેશ શાહ અને તેમના ડ્રાઇવર રાજર્ષિ બિદાવતની પણ ધરપકડ થઇ હતી. રાજેશ શાહને જામીન મળ્યા છે પણ મિહિર શાહ અને બિદાવત બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અકસ્માત પછી મિહિર ફરાર થઇ ગયો હતો. તેને પકડવા મુંબઇ પોલીસે ૧૪ ટીમ બનાવી હતી. મિહિર પહેલા ગોરેગાંવમાં મિત્રના ઘરે ગયો હતો જ્યાંથી તેને બેને તેને કારમાં બેસાડી થાણે પાસે મૂકી આવી હતી. તે પછી તે થાણેમાં, નાશિક પાસે અને મુર્બાદમાં કથિત રીતે વિવિધ હોટેલોમાં રહ્યો હતો. તેના લોકેશન અંગે પોલીસને માહિતી મળી હતી તે પછી મિહિર વિરારથી ઝડપાયો હતો.
એક સ્થાનિક કોર્ટે મિહિરને પોલીસ કસ્ટડીના અને તે પછી જ્યુડિસિયલ કસ્ટડીના રિમાન્ડ આપ્યા હતા. શાહે પોતાને મક્ત કરવાની માગણી કરી છે. તેણે પોતાની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવાની વિનંતી કરી છે. ક્રિમિનલ પ્રોસીજરની કોડના સેક્શન ૫૦ હેઠળ પોલીસ જેની ધરપકડ કરે તેને ધરપકડ કરવા પાછળના કારણોની સંપૂર્ણ વિગતો જણાવવી પડે છે. તેને અટકાયતમાં ચાલુ રાખવાથી સેક્શન ૫૦નું અનુપાલન થતું નથી તેવી તેણે રજૂઆત કરી છે.