કાયદામાં સુધારો કરી ગેરકાયદે ફેરિયાઓનો કાયમી હટાવોઃ હાઈકોર્ટ

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
કાયદામાં સુધારો કરી ગેરકાયદે ફેરિયાઓનો કાયમી હટાવોઃ હાઈકોર્ટ 1 - image


ફેરિયાઓેને લાયસન્સનો  વિભાગ માત્ર કમાણીનું સાધન બની ગયો છે

રાહદારીઓના જીવના જોખમે  ફેરિયાઓનાં દબાણ ન  ચલાવી લેવાયઃ દક્ષિણ મુંબઈ જેવી મોબાઈલ માર્કેટનો વિકલ્પ વિચારો

મુંબઈ :  ફેરિયાઓને  લાયસન્સનું ડિપાર્ટમેન્ટ માત્ર આવકનું સાધન બની ગયો હોવાનું નિરીક્ષણ કરીને બોમ્બે હાઈ કોર્ટે પાલિકાને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટમાં કેટલાંક સુધારા કરવાની સલાહ આપી હતી.

બોરીવલી સ્ટેશનની બહાર ગેરકાયદે ફેરિયાઓ સામે પગલાં લીધાના બે સપ્તાહ બાદ વિસ્તાર ફરી ફેરિયાઓથી ઊભરાયો છે. પગલાં લીધા પછી પણ ફેરિયાઓ ફરી આવી જાય છે. બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે પાલિકાએ કાયમી ઉકેલ લાવવો જોઈએ.

રાહદારીઓની સલામતીને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ફેરિયાઓ ફૂટપાથ પર અતિક્રમણ કરે છે અને રાહદારીઓએ રસ્તા પર ચાલવું પડે છે. રસ્તા પર વાહનો માટે બહુ ઓછી જગ્યા રહે છે. આથી રાહદારીઓનો જીવ જોખમાય છે.

આ ઉપરાંત રાહદારીઓ રસ્તા પર ચાલતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે અને પરિવહન સિસ્ટમ પર ભાર આવે છે. ફૂટપાથ અને રસ્તાઓ કાયમી ફેરિયાઓથી અતિક્રમિત રાખવાની પરવનાગી આપી શકાય નહીં. હોકિંગ ઝોન અને લાઈસન્સવાળા ફેરિયાઓ સામે કોઈ વાંધો નથી પણ ગેરકાયદે ફેરિયાઓની વાત છે. તેઓ પણ રોજીરોટી મેળવવા સંઘર્ષ કરે છે. આપણે તેમની સામે પગલાં લેવાનું ચાલુ રાખી શકીએ નહીં. 

કોર્ટે પાલિકાને મોબાઈલ માર્કેટનો વિકલ્પ સૂચવ્યો છે. વિશ્વમાં અનેક સ્થળે આવી બજારો છે. અમુક સમયે ફેરિયાઓને અમુક જગ્યા ફાળવવામાં આવે છે. જ્યાં અમુક સમય માટે વસ્તુ વેચી શકે છેે. દાખલા તરીકે દક્ષિણ મુંબઈમાં એક રસ્તાને રાહદારીઓનો માર્ગ જાહેર કરાયો છે અને રવિવારે ટ્રાફિક અન્યત્ર વાળવામાં આવે છે. આવી રીતે મરીન ડ્રાઈવ પણ નાગરિકો માટે રવિવારે સવારે વાપરવામાં આવે છે અને લોકો આ સ્થળોએ મનોરંજન માટે આવે છે. બપોર સુધીમાં રસ્તો ખાલી કરીને રાબેતા મુજબનો થાય છે.

કોર્ટે ટાઉન વેન્ડિંગ કમિટી એક્ટમાં અનેક સુધારા સૂચવ્યા છે અને પાલિકાને સમાંતર નીતિ તૈયાર કરવા સલાહ આપી છે. રાહદારીઓના મૂળભૂત અધિકારને ચાલવાની જગ્યા પર અતિક્રમણ કરીને ફેરિયાઓ ભંગ કરી શકે નહીં. નાગરિકોના જીવને જોખમમાં મૂકવાની વાત ખોટી છે, જો એવું જણાય તો ફેરિયાઓને તાત્કાલિક દૂર કરવા જોઈએ. વૈકલ્પિક નીતિ આ માટે તૈયાર કરવી જોઈએ, એમ જજોએ સૂચન કર્યું હતું.


Google NewsGoogle News