પેન્શન મૂળભૂત અધિકાર, કર્મચારીને વંચિત રાખી શકાય નહીં : હાઈ કોર્ટ
સુપ્રીમકોર્ટના ચાર દાયકા જૂના આદેશને ટાંક્યો
ત્રણ વર્ષથી કુલીનું પેન્શન અટકાવવાનું સરકારનું કૃત્ય શરમજનકં : આટલા કેસો જોતાં સરકાર સુપ્રીમના આદેશને ભૂલી ગઈ હોય તેમ લાગે છે
મુંબઈ : પેન્શન મૂળભૂત અધિકાર છે અને નિવૃત્ત કર્મચારીઓને તેનાથી વંચિત રાકી શકાય નહીં. પેન્શન તેમની આજીવિકાનો મુખ્ય સ્રોત છે, એમ બોમ્બે હાઈ કોર્ટે નિરીક્ષણ કરીને નિવૃત્તિ બાદ બે વર્ષથી વધુ સમય સુધી અરજદારની પેન્શનની રકમ અટકાવી રાખવાબદલ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. ન્યા. કુલકર્ણી અને ન્યા. જૈનની બેન્ચે ૨૧ નવેમ્બરે જણાવ્યું હતું કે આવો કારભાર અત્યંત ક્ષોભજનક છે.
૧૯૮૩થી સાવિત્રીબાઈ ફૂળે પુણે યુનિવર્સિટીમાં કુલી તરીકે કામ કરતા જયરામ મોરેએ કરેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી. મોરેએ નિષ્કલંક અને ઉત્તમ સેવા બજાવી છે છતાં નિરાધાર અને ટેક્નિકલ કારણસર બે વર્ષથી તેનું પેન્શન ચૂકવાયું નહોવાનું હોવાનું હાઈ કોર્ટે નોંધ્યું હતું.
યુનવર્સિટીએ તમામ જરૃરી દસ્તાવેજો આપવા છતાં પેન્શન અપાયું નથી એમ અરજીમાં મોરેએ જણાવ્યું હતું. હાઈ કોર્ટે ચાર દાયકા જૂના સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે પેન્શન એવી રકમ છે જે માલિકની ઈચ્છા પર નિર્ભર છે અને અધિકાર તરીકે તેના પર દાવો કરી શકાય નહીં એ માન્યતા ખોટી છે. સુપ્રીમકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે પેન્શન અધિકાર છે અને તે સરકારની મુનસફી પર નિર્ભર નથી, એમ હાઈ કોર્ટે જણાવ્યુંહતું.
પેન્શનની માગણી માટે મોટી સંખ્યામાં લોકો કોર્ટમાં આવતા જોઈને લાગે છે કે સુપ્રીમકોર્ટનો આદેશ ભુલાયો છે અથવા તો તોનો કડકાઈથી અમલ થતો નથી. કોર્ટે મોરેને ચાર સપ્તાહમાં પેન્શનના લાભ છૂટા કરવા જરૃરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.