પેટ કોર્નર સિવાય અન્યત્ર ગંદકી કરાવતા પાળતુ પ્રાણીઓના માલિકોને દંડ
- નવી મુંબઈના માર્ગો, વૉકિંગ-સાઈકલિંગ ટ્રેક પર ગંદકી
- 'પેટ કોર્નર'માં પ્રાણીઓના મળ-મૂત્ર ત્યાગ માટે તમામ સુવિધા છતાં રસ્તાં પર ગમે ત્યાં ગંદકી ફેલાવાય છે, માલિકોની બેદરકારીથી નાગરિકો હેરાન
મુંબઈ : નવી મુંબઈ જે સ્વચ્છ સર્વેક્ષણમાં સતત અગ્રેસર રહેતું આવ્યું છે, ત્યાં પાળતું પ્રાણીઓ માટે પ્રત્યેકે નવ લાખ રુપિયાના ખર્ચે કુલ ૧૮ જેટલાં 'પેટ કોર્નર' વિકસાવવામાં આવ્યાં છે. આ પેટ કોર્નરમાં સવાર-સાંજ માલિકો સાથે વૉક પર નીકળતાં પાળતું પ્રાણીઓ તેમના મળમૂત્ર કરી શકે છે. અહીં તેમના માટે પ્લાસ્ટિક બેગ્સ, સ્કૂપર અને કચરાપેટી સહિત વિવિધ સુવિધાઓ છે. અહીં રેતી પણ રખાઈ છે, જ્યાં પશુઓ મૂત્રત્યાગ કરી શકે. બાદમાં પાલિકા દ્વારા આ મળત્યાગનો યોગ્ય વૈજ્ઞાાનિક નિકાલ કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા તેનો ઉપયોગ થતો ન હોવાથી તે શૉ-પીસ બની રહ્યાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
આથી પાલિકાએ હવે આ પેટ કોર્નરનો ઉપયોગ ન કરતાં જ્યાં ત્યાં પશુઓ પાસે મળત્યાગ કરાવનારા માલિકો સામે ૨૦૦ રુપિયાનો દંડ વસૂલવાનું શરુ કર્યું છે. તે ઉપરાંત પ્રાણીઓ રાખવાના લાઈસન્સ આપવા બાબતના નિયમો પણ હવે કડક કર્યાં છે. વાશીના સેક્ટર ૨૯માં જાણીતા સંગીતકાર શંકર મહાદેવને સૌપ્રથમ પ્રાણીઓને સમર્પિત એવા આ 'પેટ કોર્નર'નું ઉદ્દઘાટન કર્યું હતું.
નેરુલના રહેવાસી તેમજ નિવૃત્ત આસિ. પોલીસ કમિશ્નરના જણાવ્યાનુસાર, પામ બીચ સર્વિસ રોડની બાજુમાં એનએમએમસીએ આટલો સુંદર વૉકિંગ અને સાઈકલિંગ ટ્રેક બનાવ્યો છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે ત્યાં માલિકો સાથે આવતાં તેમના શ્વાન તથા અન્ય પાળતું પ્રાણીઓના મળ-મૂત્ર હજારો લોકોને જોવા પડે છે. સુવિધા હોવા છતાં નાગરિકો પેટ કોર્નરનો ખાસ ઉપયોગ કરતાં જણાતાં નથી. દરરોજ સવારે ૭ થી ૯ દરમ્યાન આજ સ્થિતિ હોય છે. આ બાબતે તાજેતરમાં એક ફોટો પણ વાયરલ થયો હતો જ્યાં આ ખરાબ પ્રવૃત્તિ હોવાનું સ્વીકારવાને બદલે શ્વાનનો માલિક દલીલો કરતો દેખાયો હતો.
દરમ્યાન વાશીના સેક્ટર ૧૭ના એક શ્વાન માલિકે જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોઈ એવી સુવિધા નથી. આથી અમારે અમારી સાથે સ્કૂપ લઈ જવા પડે છે. જેથી રસ્તાં ખરાબ ન થાય. આ જવાબદારી દરેક પશુના માલિકની રહે છે કે તેમના કારણે સાર્વજનિક વાતાવરણ બગડે કે પ્રદૂષિત થાય નહીં.
પાલિકાના શહેરી એન્જિનીયરના જણાવ્યાનુસાર, અમે હવે પાલિકાના લાઈસન્સ વિભાગને પણ એ જણાવ્યું છે કે, પશુ માલિક લાઈસન્સ રિન્યુ કરાવવા કે નવું લાઈસન્સ લેવા આવે ત્યારે તેમના નામે પહેલેથી કોઈ ગુનો કે નિયમંભગની ફરિયાદ છે કે નહિ તે તપાસવા અને કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.