મીરા ભાયંદરમાં જીવલેણ બાઈક સ્ટંટથી રાહદારી યુવકનું મોત
બાઈક સવારે 19 વર્ષના યુવકને ટક્કર મારી
બાઈક ચાલકની ઓળખ મળી, શોધખોળ માટે પોલીસે અનેક સીસીટીવી ફૂટેજ ફંફોસ્યાં
મુંબઈ - મીરા રોડમાં મોડી રાતે ટૂ - વ્હીલર પર સ્ટંટબાજી કરનાર એક બાઈક સવારે ટક્કર મારતાં રસ્તા પર ચાલી રહેલાં ૧૯ વર્ષીય યુવકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. યુવાનનો જીવ લઈને સ્ટંટબાજી કરનાર બાઈક સવાર તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને કાશીગાંવ પોલીસ તેને શોધી રહી છે. પોલીસ તેને શોધવા માટે અનેક સીસીટીવી ફુટેજ ફંફોસ્યાં છે.
મૃતક યુવકની ઓળખ ૧૯ વર્ષીય રાજેશ લુહાર તરીકે થઈ છે. આ યુવક મીરા રોડના હાટકેશ વિસ્તારમાં રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારને મદદ કરતો હતો.
મીરા રોડમાં આવેલાં કાશીગાવમાં જે.પી. ઇન્ફ્રા પાસેના રસ્તાપર શનિવારે મોડી રાતે બે બાઇક સવારો સ્ટંટબાજી કરી રહ્યા હતા. આ રસ્તો મોટો અને ખાડામુક્ત હોવાથી બાઈકરો ફુલ સ્પીડમાં વાહન ચલાવતાં હોય છે. જો કે યુવાનોની સ્ટંટબાજી વખતે૧૯ વર્ષનો રાજેશ લુહાર ત્યાંનારસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે આ બાઇક સવારે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરથી રાજેશને માથા અને પેટમાં ભારે ઈજા થઈ હતી. એથી તાત્કાલિક તેને ભાયંદરની પંડિત ભીમસેન જોશી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવ વિશે રાજેશના મોટા ભાઈ દીપક લુહારે કાશીગાંવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એથી કાશીગાંવ પોલીસે આ મામલામાં અજાણ્યા બાઈક સવાર સામે કેસ નોંધ્યો અને તપાસ હાથ ધરી છે. આ વિશેઆસિસ્ટન્ટ કાશીગાંવ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બંધુ કેસરેના જણાવ્યા અનુસાર, સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ કરી કરવામાં આવી હોવાથી આરોપીને ટુંક સમયમાં પકડી લેવામાં આવશે.
રાજેશના મોટા ભાઈ દીપક લુહારેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યા પ્રમાણે, રાજેશ અમારા ઘરમાં સૌથી લાડકો હતો. તે છેલ્લા દોઢ વર્ષથી કામના અર્થે મીરા રોડ રહેવા આવ્યો હતો. તે એક કંપનીમાં કામ કરતો હતો. તે જે કમાતો હતો એનાથી પરિવારને મદદ પણ કરતો હતો. પોલીસ તાત્કાલિક આરોપીને શોધીને યોગ્ય કાર્યવાહી કરે તો બીજી વખત અન્ય કોઈ નિદોર્ષનો આ રીતે જીવ જાય નહીં.
મીરા ભાયંદરના અનેક માર્ગો સ્ટંટબાજીનો અખાડો
મીરા-ભાયંદરના અનેક રસ્તાઓ સિમેન્ટ-કોન્ક્રીટના થયા હોવાથી ઘણા રસ્તાઓ મોકળા અને પહોળા થઈ ગયા છે.આ પહોળા રસ્તાઓ પર મોટી સંખ્યામાં ટૂ -વ્હીલર અને ફોર-વ્હીલર ચલાવતાં સ્ટંટ ચાલકો જોવા મળે છે. આમાં જે. પી ઈન્ફ્રા, ૭-ઈલેવન ક્લબ રોડ, મીરા રોડનો પાછળનો રસ્તો અને ઈન્દ્ર લોકના રસ્તાઓ પર સ્ટંટબાજી વધુ પ્રમાણમાં થવા લાગી છે. થોડા દિવસો પહેલા એક વાહનચાલક ટૂ -વ્હીલરને ઊંધો ચલાવતો વીડિયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.એમ છતાંય આવા સ્ટંટબાજી કરનારને રોકવામાં ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને કારણે આવા અકસ્માતો થઈ રહ્યા હોવાનું નાગરિકોનું કહેવું છે.