ટ્રેનોના એસી કોચના પ્રવાસીઓ 3 લાખ ટુવાલ, 18 હજાર બેડશીટ ચોરી ગયા
એસી કોચના બાથરુમમાંથી નળની પણ ચોરીઓ થવા લાગી
પ્રવાસ પૂર્ણ થયા પછી એટેન્ડન્ટને બેડરોલ સોંપવાની જવાબદારી પ્રવાસીનીઃ પછી અન્ય કોઈ ચોરી જશે તો પણ તે પ્રવાસીને જ દંડ થશ
મંબઈ - લાંબા અંતરની ટ્રેનોમાંના એસી કોચમાંથી એક વર્ષમાં ત્રણ લાખ ટુવાલ અને ૧૮ હજાર બેડશીટ પ્રવાસીઓ ચોરી ગયા છે. દિવસેદિવસે આ ચોરીઓ વધી રહી છે. જેવી રેલવેને નુકસાન થઈ રહ્યું છે. પરિણામે રેલવેએ કેટલીક નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
ભારતીય રેલવેમાં રોજ લાખો લોકો પ્રવાસ કરે છે. લાંબા અંતરની ટ્રેનોના એસી કોચમાં પ્રવાસીઓની સુવિધા માટે બે ચાદર, એક બ્લેન્કેટ, એક ઓશિકું તેનું કવર અને એક ટુવાલ આમ આખો સેટ અપાય છે. તો કેટલાક કોચમાં ફક્ત તકિયો અને ચાદર જ આપવામાં આવે છે. રેલવે પ્રશાસને આપેલી માહિતી પ્રમાણે ઘણા પ્રવાસીઓ રેલવે દ્વારા પ્રવાસ પૂરતો અપાતો આ સામાન ચોરી જાય છે. એટલુ ંજ નહીં એસી કોચના બાથરૃમમાં નળ અને અન્ય વસ્તુઓની ચોરી પણ વધવા લાગી છે. સહુથી વધુ ચોરીઓ છત્તીસગઢના બિલાસપુર ઝોનમાં થતી હોવાનું સામે આવ્યું છે.
રેલવેએ આપેલા આંકડા પ્રમાણે સહુથી વધુ ચાદર અને ટુવાલની ચોરી થાય છે. જેથી રેલવેને આર્થિક નુકસાન થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૮, ૨૦૮ બેડશીટ, ૨૭૯૬ બ્લેન્કેટ, ૧૯૭૬૭ તકિયાના કવર અને ૩.૦૮ લાખ ટુવાલ ચોરી થયા હતા. ચોરીનું પ્રમાણ અટકાવવા રેલવેએ કડક પગલું લીધું છે. તે અનુસાર જોરી કરેલી નવી ગાઈડલાઈન્સ પ્રમાણે રેલવેની માલમત્તાની ચોરી કરનાર વિરુદ્ધ કાયદા ૧૯૬૬ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ચોરી કરતા પકડાઈ જનારે એક વર્ષની કેદ કે ૧૦૦૦ રૃપિયા દંડ કે પછી પાંચ વર્ષની કેદ જેવી સજા ભોગવવી પડી શકે છે. ઘણી વખત પ્રવાસીઓ ટ્રેનમાંથી ઉતર્યા બાદ પોતાની સીટ ઉપર જ ચાદર-ટુવાલ છોડીને જતા રહે છે અને પાછળથી કોઈ ચોરી જાય તો પણ કાર્યવાહી પ્રવાસી વિરુદ્ધ જ થશે. તેથી પ્રવાસપૂરો કર્યા બાદ પ્રવાસીઓ બધો સામાન કોચ અટેન્ડેન્ટને પરત કરી જવાનું રહેશે.