ઇન્ડિગોની ઇસ્તંબુલ જનારી સવારની ફલાઇટ રાત્રે રિશેડયુલ થતાં પ્રવાસી બેહાલ બન્યા
સવારે ૬.૫૫ ડિપાર્ટ થનારી ફલાઇટ હવે ૨૩.૦૦ રવાના થવાની સંભાવના
એરકંડિશનર ચાલુ ન હોવા છતાં પ્રવાસીઓને વિમાનમાં દોઢકલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા
આ વિમાનના પ્રવાસીઆ ે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઇન્ડિગોની મુંબઇથી ઇસ્તંબુલ જનારી ફલાઇટ સવારે ૬.૫૫ વાગે ટેક ઓફ્ફ થવાની હતી. પણ ફલાઇટ મોડી પડતા પ્રવાસીઓને વિમાન સાડા આઠ વાગે રવાના થશે તેમ જણાવવામાં આવ્યું હતું. એ પછી પ્રવાસીઓને સાડા નવ વાગે વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. એરકંડિશનર ચાલુ ન હોવા છતાં વિમાનમાં દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા બાદ પ્રવાસીઓને ફરી વિમાનમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા. એ પછી ફરી એકવાર બપોરે સાડા બાર વાગે પ્રવાસીઓને વિમાનમાં બેસવા માટે જણાવાયું હતું.
ઇસ્તંબુલમાં વાતાવરણ ઠંડુ હોઇ પ્રવાસીઓએ ગરમ કપડાં પહેરી રાખ્યા હતા. ગરમ કપડાંમાં સજ્જ પ્રવાસીઓને એરકંડિનર ચાલતું ન હોય તેવા વિમાનમાં કલાકો સુધી બેસાડી રાખવામાં આવતાં પ્રવાસીઓની હાલત ગંભીર બની ગઇ હતી. વિમાનના સો જેટલાં પ્રવાસીઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓએ એરપોર્ટ પર દેખાવો કરી ટિકિટના નાણાં રિફંડ કરવાની અથવા ફલાઇટને રિશેડયુલ કરવાની માંગણી કરી હતી.
સચીન ચિંતલવાડ નામના પ્રવાસીએ સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું કે તેને ઇસ્તંબુલથી આઇએડી વોશિંગ્ટન જવાની કનેક્ટિંગ ફલાઇટ પકડવાની છે. આ ફલાઇટ પર ઇન્ડિગો દ્વારા જ ઓપરેટ થઇ રહી છે. પ્રવાસીએ આ સ્થિતિમાં તેણે શું કરવું તેનું માર્ગદર્શન માગ્યું હતું. સંખ્યાબંધ પ્રવાસીઓએ તેમની હાલાકી વિશે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું.
તેર ડિસેમ્બરે પણ મુંબઇથી ઇસ્તંબુલ જતી ફલાઇટ મોડી પડતાં પ્રવાસીઓ રઝળી પડયા હતા. તેમાં પણ જેમને ઇસ્તંબુલથી કનેક્ટિંગ ફલાઇટ પકડવાની હોઇ તે પ્રવાસીઓને વિમાન ચૂકી જવાને કારણે મોટું નુકશાન સહેવું પડયું હતું. ઇન્ડિગોએ પણ આ ફલાઇટ મોડી પડી તે માટે પ્રવાસીઓની માફી માંગી હતી. પંદર કલાક સુધી ઇસ્તંબુલમાં ૪૦૦ જેટલાં પ્રવાસીઓ રઝળી પડતાં ઇન્ડિગો દ્વારા પ્રવાસીઓને લાવવા માટે ફલાઇટની વ્યવસ્થા કરવી પડી હતી. આ ઘટના બન્યાને મહિનો પણ થયો નથી ત્યાં ફરી મુંબઇના પ્રવાસીઓ એરપોર્ટ પર રઝળી પડયા છે.