પરિણિતીએ વેડિંગ લૂકમાં આલિયા અને કિયારાની બેઠી કોપી કરતાં ભારે ટીકાઓ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
પરિણિતીએ વેડિંગ લૂકમાં આલિયા અને કિયારાની બેઠી કોપી કરતાં ભારે ટીકાઓ 1 - image


ઉઠાંતરીબાજ બોલીવૂડનું હિરોઈનોના વેડિંગ લૂકમાં પણ કોપી પેસ્ટ

બોલીવૂડની દુલ્હનો ખ્રિસ્તી નવવધૂની જેમ લગ્નમાં વ્હાઈટ કપડાં કેમ પહેરે છે, સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશઃ લગ્ન પછીના પોઝમાં પણ આલિયાની કોપી

મુંબઈ :  બોલીવૂડમાં સ્ટોરી આઇડિયા તથા ગીતોમાં કોપી પેસ્ટનો ઉઠાંતરીનો ધંધો પૂરબહારમાં ચાલે છે તેમ બોલીવૂડના ડ્રેસ ડિઝાઈનર્સ પાસે દુલ્હન લૂકના પણ આઇડિયા ખૂટયા હોય તેમ હવે એક પછી એક હિરોઈન તેમનાં લગ્ન વખતે લગભગ એક જ સરખા ગેટઅપમાં તૈયાર થઈ રહી છે. પરિણિતી ચોપરાનાં લગ્ન રવિવારે સંપન્ન થયા બાદ સામે આવેલી તેના વેડિંગ લૂકની તસવીરોમાં તે મોટાભાગે આલિયા ભટ્ટની જેમ અને ઘણી બધી રીતે કિયારા અડવાણીની જેમ જ તૈયાર થઈ હોવાનું લોકોએ નોટિસ કર્યું હતું અને આ કોપી પેસ્ટ લૂક્સની ભારે ટીકાઓ કરી હતી. 

પરિણિતી ચોપરાએ વેડિંગ માટે ડ્રેસ ડિઝાઈનર તરીકે મનીષ મલ્હોત્રાની પસંદગી કરી હતી. બોલીવૂડનો ટોચનો ડ્રેસ ડિઝાઈનર ગણાતો મનીષ મલ્હોત્રા છેલ્લા બે દિવસથી ઉદેપુરમાં જ હતો અને તેણે લગ્ન સમારોહમાં હાજરી પણ આપી હતી. 

પરિણિતીએ ખુદ સોશિયલ મીડિયા પર પોતાના તથા રાઘવ ચઢ્ઢાના લગ્ન વખતના ફોટા પોસ્ટ કર્યા હતા. પરિણિતી તથા રાઘવે આઈવરી વ્હાઈટ થીમ પસંદ કરી હોવાનું તો જાણીતું હતું પરંતુ તેનો દુલ્હન લૂક  ડ્રેસ, જ્વેલરી, હેર સ્ટાઈલ એટલે સુધી કે ફોટા આપવાના પોઝમાં પણ તેણે આલિયા ભટ્ટના વેડિંગ લૂકની બેઠી કોપી મારી હોવાનું જણાઈ આવતું હતું. આ ઉપરાંત તેના અને કિયારા અડવાણીના વેડિંગ લૂકમાં પણ કેટલીય સમાનતા હોવાનું લોકોએ નોંધ્યું હતું. 

સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વેડિંગ લૂક્સમાં પણ ઉઠાંતરી મુદ્દે ટીકા કરતાં કહ્યુ ંહતું કે પરિણિતી જેવી સુશિક્ષિત હિરોઈન પાસે આવી અપેક્ષા ન હતી. બીજી તરફ કેટલાય લોકોએ બોલીવૂડમાં પરિણિતી, આલિયા, કિયારા સહિતની મોટાભાગની હિરોઈનો લગ્ન વખતે કોઈ  ખ્રિસ્તી નવવધૂ જેવો જ લૂક કેમ અપનાવે છે તેની પણ ટીકા કરી હતી. લોકોએ લખ્યું હતું કે લગ્ન વખતે વ્હાઈટ વસ્ત્રો ધારણ કરવાં એ ખ્રિસ્તી પરંપરા છે, હિન્દુ પરંપરા નહીં. આમ આ લોકો વિધિપૂર્વક અને રીતરિવાજ સાથે લગ્નના દાવા કરે છે પરંતુ તેમના વેડિંગ લૂક અને તેમના દાવાઓ વચ્ચે કોઈ મેળ ખાતો નથી. લગ્નમાં પરિણિતીએ કપાળ કોરું રાખ્યું હોવાનો તથા પંજાબી દુલ્હનને અનુરુપ લાલ ચૂડો પહેરવાને બદલે સફેદ ચૂડો પહેર્યો હોવાની પણ લોકોએ ટીકાઓ કરી હતી. કેટલીય યુવતીઓએ તો પોતાના લગ્ન વખતના પરંપરાગત ભારતીય શણગારના ફોટા પણ પોસ્ટ કર્યા હતા. અનેક લોકોએ લખ્યું હતું કે આ સેલિબ્રિટીઓ ભરે ભારતીય ફિલ્મોમાં કામ કરે પરંતુ તેમને ભારતીય પરંપરાઓ માટે સ્હેજે પ્રેમ નથી અને ભારતીય રીતરિવાજ અનુસાર પરિધાન કરતાં તેઓ સંકોચ અનુભવે છે તેનો આ પુરાવો છે. 

કેટલાક લોકોએ પરિણિતી તથા રાઘવ તાજેતરમાં ઉજ્જૈન મહાકાલનાં દર્શને ગયાં હતાં તે યાદ કર્યું હતું અને સ્વીકાર્યું હતું કે પરિણિતી તે વખતે ભારતીય યુવતી જેવી વધારે લાગતી હતી.



Google NewsGoogle News