માં-બાપે દોઢ વર્ષની પુત્રીની હત્યા કરી દફનાવી દીધીઃ નનામા પત્રથી ભાંડો ફૂટયો

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
માં-બાપે દોઢ વર્ષની પુત્રીની હત્યા કરી  દફનાવી દીધીઃ નનામા પત્રથી ભાંડો ફૂટયો 1 - image


હત્યાના એક માસ બાદ પોલીસે લાશ બહાર કઢાવી પીેએમ કરાવ્યું

દંપતીએ હત્યાનું કોઈ કારણ ન આપ્યું  પરતુ અંધ વિશ્વાસને કારણે કૃત્ય આચર્યું હોવાની પોલીસને શંકા

મુંબઇ : થાણે જિલ્લાના મુંબ્રામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એખ દંપત્તિએ તેની દોઢ વર્ષની પુત્રીની હત્યા કરી તેના મૃતદેહને અહીંના એક સ્થાનિક કબ્રસ્તાનમાં દફન કરી દીધી હતી. જોકે, હત્યાના લગભગ એક માસ બાદ મુમ્બ્રા પોલીસને આ બનાવ અંગે કોઈ નનામો પત્ર મળ્યો હતો. બાળકીના ફોટા સાથે મળેલા પત્રના આધારે પોલીસે તપાસ કરી આ દંપતીની પૂછપરછ કર્યા બાદ તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

 પોલીસે મુંબ્રાના એક સ્થાનિક કબ્રસ્તાનમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જેમાં બાળકીના શરીર પર વિવિધ સ્થળે ઇજાની નિશાનીઓ મળી આવી હતી. આ ઘટના બાદ પોલીસે બાળકીના માતા-પિતાના હત્યા અને પુરાવા નષ્ટ કરવાના આરોપસર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી જો કે દંપત્તિએ બાળકીની હત્યા શા માટે કરી તેની કોઇ સ્પષ્ટતા કરી  ન હતી. જોકે, આ દંપત્તી દ્વારા અંધવિશ્વાસના કારણે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની પોલીસને શંકા છે. 

મુંબ્રા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી અનિલ શિંદેએ જણાવ્યું હતું કે તેમને થોડા દિવસો પહેલા એક નનામો પત્ર મળ્યો હતો જેમાં   દોઢ વર્ષની બાળકીનો ફોટો મોકલી એવું જણાવવામાં આવ્યું હતું કે આ બાળકીની તેના માતા-પિતાએ હત્યા કરી તેના મૃતદેહને મુંબ્રાના એક કબ્રસ્તાનમાં દાટી દીધો છે. આ બાળકીનું નામ લબીબા છે.

 આ નનામો પત્ર મળતા ચોંકી ઉઠેલા પોલીસોએ તરત જ આ વાતને ગંભીરતાથી લઇ વધુ તપાસ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ તેમને જાણવા મળ્યું હતું કે ૧૮ માર્ચ ૨૦૨૪ના લબીબા દાહિદ શેખ (દોઢ વર્ષ)ને મુંબ્રાના નયા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. પોલીસ લબીબાના ઘરનું સરનામું લઇ ત્યાં પહોંચી ગઇ હતી અને તેના પિતા જાહિદ શેખ અને માતા નુરાની શેખને તાબામાં લઇ વધૂ પૂછપરછ કરી હતી. આ સાથે જ બાળકીનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢી તેને જે.જે. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને લબીબાના માતા-પિતાના નિવેદનમાં ઘણી વિસંગતિ મળી આવ્યા બાદ પોલીસે એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે બાળકીની હત્યા તેના માતા-પિતા જાહિદ અને નુરાનીએ કરી  જ હતી.

પોલીસને આ પ્રકરણે આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) અને (૨૦૧) પુરાવાનોનો નાશ કરવાનો ગુનો નોંધી બંનેને કોર્ટમાં હાજર કરાતાં તેમને ૧૫ એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. દંપત્તિએ અંધવિશ્વાસની અસર હેઠળ બાળકીની હત્યા કરી હોવાની પોલીસને દ્દઢ શંકા છે. પણ દંપત્તિએ હત્યાનું કોઇ કારણ જણાવ્યું નથી.



Google NewsGoogle News