ખુદ સીબીઆઈના ડીએસપી સાથે પાર્સલ ફ્રોડઃ 2 લાખ ગુમાવ્યા

Updated: May 7th, 2024


Google NewsGoogle News
ખુદ સીબીઆઈના ડીએસપી સાથે પાર્સલ ફ્રોડઃ 2 લાખ  ગુમાવ્યા 1 - image


પાર્સલમાં ડ્રગ હોવાનું જણાવી દિલ્હી પોલીસના નામે દમદાટી

બનાવટી આધાર કાર્ડ વપરાયું છે, વેરિફિકેશન માટે પૈસા ભરવા પડશે તેમ કહી રકમ મેળવી લીધી

મુંબઈ :  સામાન્ય લોકોને વિવિધ કારણો અને યુક્તિઓની મદદથી છેતરતા ફ્રોડસ્ટરોએ સીબીઆઈના જ ડીએસપી રેન્કના એક અધિકારી સાથે બે લાખનું સાયબર ફ્રોડ આછરતા ખળભળાટ મચી ગયો છે.

સીબીઆઈની મુંબઈની બાંદ્રા- કુર્લા કોમ્પ્લેક્સની ઓફિસમાં ફરજ બજાવતા ૫૯ વર્ષના અધિકારીએ આ ઘટના બાદ બીકેસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ફરિયાદી અધિકારી (૫૯) સીબીઆઈમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેમને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે તેની ઓળખ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે તેમના નામે એક પાર્સલ આવ્યું છે જેમાં આઠ પાસપોર્ટ, ૧૭૦ ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ અને ૪૫ હજારની રોકડ રકમ મોકલવામાં આવી છે. આ સમયે અધિકારીને કોલ કરનારને જણાવ્યું હતું. આ પાર્સલ તેમનું નથી. જોકે થોડા સમય બાદ તેમને વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચનું નામ ઝળકયું હતું. આ સમયે પોલીસના યુનિફોર્મમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે કોઈએ તેમના આધારકાર્ડનો દુરુપયોગ કરી આ પાર્સલ મંગાવ્યું હોવાનું લાગે છે.

કોલ કરનારે પાછો ફોન કરી અધિકારીને જણાવ્યું હતું કે આરબીઆઈના વેરિફિકેશન માટે તેમણે રૃ.૩.૧૫ લાખની રકમ જમા કરાવવી પડશે જે પછીથી પાછી આપવામાં આવશે. ત્યારબાદ આ વ્યક્તિએ બે લાખ મોકલવાનું કહેતા અધિકારીએ આ રકમ મોકલી આપી હતી.

જોકે પછી અધિકારીએ કોલ કરતા સામેવાળાએ જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરનારની ધરપકડ કરવામાં આવી છે અને વધુ વાત કરવાની જગ્યાએ કોલ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ અધિકારીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોલ કરનાર કે દિલ્હી પોલીસના કહેવાતા અધિકારી સાથે સંપર્ક થઈ શક્યો નહોતા. આથી છેતરાયા હોવાની લાગણી થતા અધિકારી બીકેસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News