મુંબઇની 3 આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં બોમ્બની ધમકી મળતાં ગભરાટ
વિમાની પ્રવાસીઓના જીવ તાળવે ચોંટયા
ન્યૂયોર્ક જનારી ફલાઈટ દિલ્હી લેન્ડ કરી ખાલી કરાવાઈઃ મસ્કત તથા જેદ્દાહ જતી બે ફલાઈટમાં પણ ધમકી બાદ તપાસને પગલે ૭થી ૧૧ કલાકનો વિલંબ
મુંબઇ - મુંબઇથી ઉપડેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ફલાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ન્યૂયોર્ક જનારી એર ઇન્ડિયાની ફલાઇટને નવી દિલ્હી તરફ વાળવામાં આવી હતી. આ દરમિયાન પ્રવાસીઓના જીવ તાળવે ચોટી ગયા હતા.
જોકે સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા કોઇપણ વિમાનમાં બોમ્બ કે અન્ય કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
એર ઇન્ડિયાની ફલાઇટ સિવાય ઇન્ડિગોના મસ્કત (ઓમાન) અને જેદ્દાર (સાઉદી અરેબિયા) જઇ રહેલા બે વિમાનને પણ બોમ્બની ધમકીઓ મળી હતી.
એર ઇન્ડિયાના વિમાનમાં ૨૩૯ પ્રવાસી, ૧૯ ક્રૂ મેમ્બર હતા. ઇન્ડિગોની બે ફલાઇટમાં લગભગ ૨૬૦ પ્રવાસીઓ હતા.
ઇન્ડિગોની મસ્કત જતી ફલાઇટ લગભગ સાત કલાકના વિલંબ પછી સુરક્ષા મંજૂરી મળ્યા બાદ લગભગ ૯.૧૫ વાગ્યે રવાના થઇ હતી. જ્યારે જેદ્દાહ જતુ વિમાન તેના નિર્ધારિત પ્રસ્થાન સમય ૨.૦૫ વાગ્યા કરતા ૧૧ કલાક મોડું ઉપડયું હતું.
જોકે એર ઇન્ડિયાની ફલાઇટ રિશિડયુલ કરવામાં આવી છે તે મંગળવારે સવારે દિલ્હીથી ન્યુયોર્ક માટે રવાના થવાની હતી.
એર ઇન્ડિયાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૪ ઓકટોબરે મુંબઇથી જેએફકે (ન્યુયોર્ક) જતી ફલાઇટ એઆઇ ૧૧૯ને સુરક્ષા બાબતે ચેતવણી મળ્યા બાદ તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી.
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. પ્રવાસીઓ અને ક્રૂની સલામતી માટે તમામ સેફ્ટી પ્રોટેકોલનું સખતપણે પાલન કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચેકિંગ દરમિયાન કંઇ પણ શંકાસ્પદ મળ્યું નથી.
બોમ્બની ધમકી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા મળી હતી . તે હેન્ડલની તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ડિગોની મુંબઇ-મસ્કત અને મુંબઇ-જેદ્દાહ ફલાઇટને પણ બોમ્બની ધમકીઓ મળી હતી. વિમાન અને પ્રવાસીઓ, સામાનની તપાસ કરતા શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.