પુનમ ધિલ્લોનના ફલેટમાં પેઈન્ટિંગના કારીગર દ્વારા લાખોની ચોરી
કારીગરની ધરપકડ બાદ કેટલોક મુદ્દામાલ રિકવર
પુનમ જુહુમાં રહે છે, ખારના ઘરની પુત્રએ મુલાકાત લીધી ત્યારે ચોરીની જાણ થઈ
મુંબઈ - બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખારમાં આવેલા ફલેટમાંથી રુ. ૧ લાખની કિંમતની હિરાની બુટ્ટી, ૩૫ હજાર રોકડા અને પાંચસો ડોલરની ચોરી કરવા બદલ પોલીસે ૩૭ વર્ષીય ચોરની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ૩૭ વર્ષીય સમીર અંસારીને ૨૮ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરીની વચ્ચે ખાર વિસ્તારમાં બોલીવૂડની અભિનેત્રી પૂનમ ધિલ્લોના ફલેટમાં રંગકામ માટે રાખવામાં આવ્યો હતો.
પૂનમ ધિલ્લોન મોટાભાગે જુહુના ઘરમાં રહેતા હોવાથી આ ફલેટ ખાલી જ હતો. જેથી તેનો પુત્ર અનમોલ ધિલ્લોન ક્યારેક આ ખારના ફલેટની મુલાકાત લેતો હતો. રંગકામ દરમિયાન ઘરમાં કોઈ ન હોવાથી અને ઘરમાં રહેલ કબાટમાં તાળુ ન લગાવવામાં આવ્યું હોવાથી તકનો લાભ લેતા તેણે કબાટો ખોલ્યા હતા અને ચોરી કરી હતી.
આ ઘટના બાદ પૂનમ ધિલ્લોનનો પુત્ર અનમોલ પાંચ જાન્યુઆરીના રોજ દૂબઈથી પરત ઘરે ફરતા ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટના પ્રકાશમાં આવતા જ તેણે તેના મેનેજરને આ અંગે જાણ કરી હતી. જેથી મેનેજર સંદેશ ચૌધરીએ આ અંગે ખાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આ મામલે ચોર સામે કેસ નોંધીને, તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આ બાદ ઘરમાં આવનાર દરેકની પૂછપરછ કરી હતી. જેમાં અંસારીની પૂછપરછ કરવામાં આવતા તેણે ઉડાવ જવાબો આપ્યા હતા. જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. આથી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અંસારીએ ગુનો કબૂલ્યો હતો.
ધરપકડ બાદ પોલીસ તેની પાસેથી રુ. ૨૫ હજારની રોકડ, પાંચસો ડોલર અને હીરાની બુટ્ટી પરત મેળવવામાં સફળ રહી હતી. જો કે, તેની સાથે કામ કરતા અન્ય સભ્યોને પાર્ટી આપવા માટે તેણે ૯ હજાર ખર્ચ્યા હોવાનું તેણે જણાવ્યું હતું.
પોલીસે આ મામલે અંસારી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પૂનમ ધિલ્લોને જણાવ્યું હતું કે, હું ખાર પોલીસ સ્ટેશનની આભારી છું. હું મારો સામાન પાછો મેળવવાની રાહ જોઈ રહી છું.