પ. રેલવેના ઉચ્ચ અધિકારી 50 હજારની લાંચ લેતાં ઝડપાયા
સીબીઆઇએ ઓફિસમાં છટકું ગોઠવ્યું
સંજય વાઘેલાએ 4.80 કરોડનું બિલ મંજૂર કરવા દર લાખે 100 રૃપિયા મળ્યા
મુંબઇ : સીબીઆઈએ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટની એક ખાનગી કંપની પાસેથી લાંચ માગવાના કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી છે. આ કંપની પશ્ચિમ રેલવેને કેટલીક ચીજો સપ્લાય કરે છે. તેનું બિલ મંજૂર કરવા માટે લાંચ માગવામાં આવી હતી.
સીબીઆઇ પાસેથી મળેલી જાણકારી મુજબ આરોપી ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટ સંજય વાઘેલાની ધરપકડ ૫૦ હજાર રૃપિયાની લાંચ માગવા માટે થઈ છે. એક કંપની પશ્ચિમ રેલવેને કેટલોક સામાન મોકલે છે. હાલમાં જ કંપનીએ પૂરા પાડેલા માલના ત્રણ બિલ કંપનીએ રેલવેના અકાઉન્ટ વિભાગને મોકલ્યા હતા. આ ત્રણેય બિલ કુલ ૪.૮૦ કરોડ રૃપિયાના હતા. જેમની મંજૂરી માટે સંબંધિત કંપનીના અધિકારી રેલેવના અકાઉન્ટ્સ વિભાગના ચીફ સુપ્રીન્ટેન્ડર પદે કાર્યરત વાઘેલાનો સંપર્ક કરી રહ્યા હતા. જેમણે અધિકારીને કહ્યું હતું કે તમારી કંપનીના ૪.૮૦ કરોડ રૃપિયાનું બિલ મંજૂર કરાવવા એક લાખ દીઠ મને ૧૦૦ રૃપિયા હિસાબે ૫૦ હજાર રૃપિયા આપે તો બિલ મંજૂર કરાવી દઉં તેવું કહ્યું હતું. કંપનીની ફરિયાદ બાદ સીબીઆઇએ છટકું ગોઠવીને વાઘેલાને ગુરુવારે મુંબઈની તેમની ઓફિસમાં લાંચ લેતા પકડયો હતો.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીના કાર્યાલયમાં બે ઠેકાણે શોધખોળ કરવામાં આવી હતી. જ્યાંથી ગેરકાયદે દસ્તાવેજો અને સ્થાવર-જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.