ઓવરસીઝ જોબ રેકેટનો પર્દાફાશઃ 482 પાસપોર્ટ જપ્ત કરાયા
વિદેશમાં સારા પગારની લાલચે લોકોને છેતર્યા
નકલી પ્લેસમેન્ટ સેલ અને કોલ સેન્ટર ચલાવતા હતા, નકલી વીઝા તથા એપોઈનન્ટમેન્ટ લેટર આપતા હતાઃ 77 લાખની છેંતરપિંડી
મુંબઇ : મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ- યુનિટ પાંચે વિદેશમાં સારા પગારની લાલચ આપી નોકરી બંચ્છુઓને છેતરતા બે વ્યક્તિને પકડી પાડી ઓવરસીઝ જોબ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ૪૮૨ અધિકૃત પાસપોર્ટ પણ જપ્ત કર્યા હતા. આ સંદર્ભે ડીસીપી રોશને જણાવ્યું હતું કે છેતરપિંડીનો આંકડો ૭૭ લાખ જેટલો થાય છે.
પોલીસના જણાવ્યાનુસાર મૂળ પશ્ચિમ બંગાળના આરોપી પતિત હલીધર (૩૬) અને મોહમ્મદ મન્સુરી (૪૯)એ અંધેરી અને સીએસટીમાં નકલી પ્લેસમેન્ટ ઓફિસ સ્થાપી બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી કૌભાંડ આચર્યું હતું. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે કથિત અપરાધીઓ દેશભરમાં નકલી પ્લેસમેન્ટ સેલ અને કોલ સેન્ટર ચલાવતા હતા. આ લોકો નોકરી વાંચ્છુ યુવાનોનો વિશ્વાસ જીતવા યુવાનોને નકલી વિઝા અને એપાઇન્ટમેન્ટ લેટર પૂરા પાડતા હતા. પોલીસે આ કૌભાંડ સાથે જોડાયેલા વિવિધ ૨૬ બેંક ખાતાઓ શોધી કાઢયા હતા.
સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે શરૃઆતમાં વિદેશમાં નોકરીનું ખોટું વચન આપીને કરોડો રૃપિયાની છેતરપિંડી કરનાર પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી આ બાબતની વધુ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આ લોકોએ ૩૦૦થી વધુ મજૂરો સાથે છેતરપિંડી આચરી છે. આ સંદર્ભે ડીસીપી રોશનના જણાવ્યાનુસાર જ્યારે પીડિતોને બનાવટી વિઝા અને એપાઇન્ટમેન્ટ લેટરની વાતની ખબર પડી ત્યારે તેમણે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ દેશના વિવિધ શહેરોમાંથી છેતરપિંડી અને ઓવરસીઝ જોબ રેકેટ ચલાવતા હતા. આરોપીઓ વિદેશમાં સારા પગારની નોકરીની લાલચ આપી જોબ ઇચ્છુકો પાસેથી રૃા. ૪૦થી ૬૦ હજાર રૃપિયા વસુલતા હતા.
આરોપીઓ નોકરી વાંચ્છુઓને દુબઇ, ઓમાન, સાઉદી એરેબિયા, કતાર, અઝરબૈઝાન, અને રશિયામાં નોકરીની લાલચ આપી હતી. આરોપીએ પ્રથમ દક્ષિણ મુંબઇના બેલાર્ડ- પિયર વિસ્તારમાં ઓફિસ સ્થાપી હતી. અહીં લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ તેમણે અંધેરીમાં કામ શરૃ કર્યું હતું. પોલીસે નોંધ્યું હતું કે પકડાયેલા આરોપીઓ તેમની ઓળખ પણ સતત બદલતા રહેતા હતા. આ સ્કેમનો એક પીડિત ભરત ટ્રોમ્બેનો રહેવાસી છે અને તેણે નોકરી મેળવવા આરોપીઓને ૬૦ હજાર રૃપિયાની રકમ ચૂકવી હતી.