Get The App

4 ઈંચથી વધુ વરસાદમાં મુંબઈના માર્ગો જળબંબાકાર

Updated: Jul 22nd, 2023


Google NewsGoogle News
4 ઈંચથી વધુ વરસાદમાં મુંબઈના માર્ગો  જળબંબાકાર 1 - image


જળાશયોમાં પાણી પુરવઠો હવે વધીને 42 ટકા

ભારે વરસાદ વખતે જ હાઈ ટાઈડને લીધે ફલડ ગેટ બંધ : અંધેરી-જોગેશ્વરી-ઘાટકોપર-કુર્લામાં માર્ગો પર પાણી ભરાતાં  ટ્રાફિકને અસર

મુંબઈ :  મુંબઈમાં આજે દિવસ દરમિયાન ભારે વરસાદી ઝાપટાંના કારણે અંધેરી, જોગેશ્વરી, ઘાટકોપર, કુર્લા સહિતના વિસ્તારોમાં માર્ગો જળબંબાકાર બની જતાં ટ્રાફિકને અસર થઈ હતી. બપોરે ભારે વરસાદ થયો એ જ અરસામાં હાઈ ટાઈડ હોવાથી ફલડ ગેટ બંધ કરાતાં શહેરમાં ઝડપભેર પાણી ભરાઈ ગયાં હતાં.  ભારે વરસાદને લીધે શહેરમાં ૧૪ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. આ ઉપરાતં મકાનો કે દિવાલ ધસી પડવાના ચાર બનાવ બન્યા હતા. જોકે, મહાપાલિકાના દાવા અનુસાર માર્ગો પરથી ઝડપભેર પાણી ઉલેચાઈ ગયાં હતાં. શહેરમાં સવારથી સાંજ સુધીમાં સરેરાશ આશરે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 

આજે સવારે ૮.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી  સાંતાક્રુઝ વેધશાળામાં માં ૧૧૫.૨ મિ.મિ.   (સાડા ચાર ઈંચ) અને કોલાબા વેધશાળામાં  ૯૨.૨ (પોણા ચાર ઈંચ) વરસાદ  નોંધાયો હતો. 

. પાલિકાએ આપેલા આંકડા મુજબ પૂર્વ ઉપનગરમૉં ૮૮  મિ.મિ., તળ મુંબઈમાં ૭૪ મિ.મિ., પશ્ચિમ ઉપનગરમાં ૬૬ મિ.મિ. વરસાદ વરસ્યો  હતો. 

શહેરમાં બપોરે૧૨થી ૩.૦૦ વાગ્યા સુધી મૂશળધાર વરસાદ વરસ્યો આ દરમિયાન દરિયામાં ભરતી સમયે મોજા ૪.૨૧  મીટર સુધી  ઉછળતાં  હોવાથી  ફલડગેટ બંધ  કરાયો હતો. ઓથી પાણીના નિકાલ કરવામાં વિલંબ થતાં  શહેરમાં અનેક ઠેકાણે  પાણી  ભરાયા હતા.  કેટલાંક ઠેકાણે ટ્રાફિકને અન્ય માર્ગે વાળવા પડયા હતા.

મૂશળધાર વરસાદમાં મુંબઈ મહાનગર પાલિકાના કમિસનર ઈકબાલસિંહ ચહલ જે ઠેકાણે પાણી ભરાય છે એવાં હિંદમાતા, ગાંધી માર્કેટ સહિત કેટલાંક  ખાસ સ્પોટની મુલાકાતે પહોંચ્યા હતા. 

શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે  ઠેર ઠેર ગોઠવેલા  પાણી ખેંચવાના પમ્પ પૈકી ૨૪૫ ઠેકાણે  પમ્પો  શરૃ કરાયા હતા. જેથી પાણીનો નિકાલ  ઝડપથી થયો હોવાનો પાલિકાએ દાવો કર્યો હતો.

શહેરમાં આજે ૧૪ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં પશ્ચિમ ઉપનગરમાં ૧૪, પૂર્વ ઉપનગરમાં  છ , તળમુંબઈમાં ત્રણ  વૃક્ષનો સમાવેશ થાય છે. જ્યારે શહેરમાં ૧૨ ઠેકાણે શોર્ટ સર્કિટના બનાવ બન્યા હતા. જેમાં પશ્ચિમ  ઉપનગરમાં  પાંચ, પૂર્વ ઉપનગરમાં   ત્રણ , તળ મુંબઈમાં ચારનો સમાવેશ થાય છે

શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં  જળાશયોમાં સારો વરસાદ નોંધાતા  આજે  સવાર  સુધી  જળાશયોમાં  ૬૧૭૫૪  મિલિયન લિટર એટલે કે ૪૨.૭૫ ટકા સંગ્રહ થયો હતો.  મુંબઈ શહેરને પાણી પુરવઠો  પૂરો પાડતાં  જળાશયો પૈકી  વિહાર જળાશય છલકાવાની સપાટીથી માત્ર દોઢ મીટર છેટું  છે તે ગમે ત્યારે છલકાઈ  જાય એવી પરિસ્થિતિમાં છે.



Google NewsGoogle News