Get The App

મુંબઈ 36 બેઠકો પર 1કરોડથી વધુને મતાધિકાર

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
મુંબઈ 36 બેઠકો પર 1કરોડથી વધુને મતાધિકાર 1 - image


420  ઉમેદવારોના ભાવિ માટે મુંબઈગરા મત આપશે

તળ મુંબઈમાં પચ્ચીસ લાખથી વધુ, પરાં વિસ્તારોમાં પોણા કરોડથી વધારે મતદારોઃ લોકસભા બાદ 2.91 લાખ મતદાર વધ્યા

મુંબઈ :  મુંબઈની ૩૬ બેઠકો પર ૪૨૦ ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈના એક કરોડથી વધુ મતદારોને મતાધિકાર મળ્યો છે. મહત્તમ મતદાન માટે ચૂંટણી તંત્રએ કમર કસી છે. 

મુંબઈમાં મતદારોની સંખ્યા એક કરોડને પાર થઈ છે. ચાલુ વર્ષે થયેલી લોકસભાની ચૂંટણી વખતે મતદારોની સંખ્યા ૯૮.૯૫ લાખ જેટલી નોંધાઈ હતી. તેવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

સોમવારે પાલિકા કમિશનર અને મુંબઈના ઇલેક્શન ઓફિસર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે મુંબઈમાં ૧,૦૨,૨૯,૭૦૮ મતદાતાઓ નોંધાયા છે. જેમાં તળ મુંબઈના ૨૫,૪૩,૬૧૦ વોટર્સ છે, જ્યારે પરાંમાં ૭૬,૮૬,૦૯૮ જેટલા મતદાતાઓ છે. તેમાં પુરુષોની સંખ્યા ૫૪,૬૭,૩૬૧ અને મહિલાઓની સંખ્યા ૪૭,૬૧,૨૬૫ છે. શહેરમાં ૧૦૮૨ સંખ્યા તૃતીયપંથી મતદાતાઓની પણ છે. તમામ મતદાતાઓમાંથી ૧.૪૬ લાખ જેટલા મતદાતાઓ ૮૫થી વધુ વયના છે તથા ૨૪ હજાર જેટલા દિવ્યાંગ મતદાતાઓ છે. મતદાતાઓની કુલ સંખ્યામાંથી ૨૨૮૮ લોકો વિદેશના અને ૧૪૭૫ સર્વિસ વોટર્સ છે.

ચૂંટણી અધિકારીઓની વિગતો અનુસાર વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદ શહેરમાં ૨.૯૧ લાખ લોકો મતદાતાઓની યાદીમાં ઉમેરાયા છે. જેમાં તળ મુંબઈમાંથી નવા ૫૩,૩૭૨ વોટર્સ અને પરામાં ૨.૩૭ લાખથી વધુ લોકો છે. ઉપરાંત લોકસભાની ચૂંટણી પછી મતદાતાઓની યાદીમાંથી ૪૩,૦૨૦ જેટલા લોકોની બાદબાકી પણ થઈ છે. તેમાં તળ મુંબઈના ૨૬,૪૨૯ અને પરાંના ૧૬,૫૪૧ વોટર્સ હતા.

મુંબઈમાં ૩૬ વિધાનસભા મતવિસ્તાર છે. જેમાંથી દક્ષિણ મુંબઈમાં ૧૦  અને ઉપનગરોેમાં ૨૬ મત વિસ્તારો છે. જેમાં અનુક્રમે ૧૦૫ અને ૩૧૫ ઉમેદવારો છે. ૧૦,૧૧૭ જેટલા પોલિંગ બૂથમાંથી તળ મુંબઈના ૨૫૩૮ અને સબર્બનના ૭૫૭૯ મતદાન કેન્દ્રોનો સમાવેસ થાય છે. ગગરાણીએ જણાવ્યું હતું કે સુરક્ષા માટે શહેરમાં ૨૫૬૯૬ પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. શહેરમાં એક પણ સંવેદનશીલ બૂથ નથી, પણ ૭૬ એવાં ચિંતાજનક મતદાન કેન્દ્રો છે, જ્યાં ૧૦ ટકાથી ઓછું મતદાન થયાનો ઇતિહાસ ભૂતકાળની ચૂંટણીઓમાં નોંધાયો છે. મુંબઈમાં ૮૪ મોડેલ મતદાન પથકોમાંથી ૩૮ મથકો મહિલાઓ અને યુવા ચૂંટણી સ્ટાફ સંભાળશે, જ્યારે આઠ કેન્દ્રો દિવ્યાંગ સ્ટાફ દ્વારા નિયંત્રિત કરાશે.

ચૂંટણી કામમાં લાગેલી બેસ્ટ બસોના રોજિંદા પ્રવાસીઓને હાલાંકી થઈ

ચૂંટણી ફરજમાં ૧૯ અને ૨૦મી તારીખ માટે બેસ્ટે તેની ૬૫૭ બસો આપી દેતા મંગળવારે બેસ્ટના રોજિંદા પ્રવાસીઓને ભારે હાલાંકી વેઠવી પડી હતી. શહેરમાં મુલુંડ સહિત વિવિધ વિસ્તારોમાં સવારે-સાંજે ધસારાના ટાણે પ્રવાસીઓની બસ માટે કતારો જોવા મળી હતી. બેસ્ટનો કાફલો કાર્યાહિત છે અને ઘટતો જાય છે. બેસ્ટના રોજિંદા ૩૫ લાખ જેટલા પ્રવાસીઓને પહોંચી વળવા માટે બસો અપૂરતી છે, ત્યારે એક સાથે ૬૫૭ બસો રોજિંદી સર્વિસમાંથી બહાર નીકળી જાય તો બસ પર જ નિર્ભર રહેતા પ્રવાસીઓને ઘણી મુશ્કેલી પડે છે.

જોકે આવતી કાલે મતદાનના દિવસે આ બસો ચૂંટણી સ્ટાફ ઉપરાંત મતદાતાઓને પણ ઉપયોગી ઠરશે. દિવ્યાંગ અને વરિષ્ઠ મતદાતાઓ વધુ હોય તેવા વિસ્તારોમાં બેસ્ટની વધુ બસો તહેનાત રહેશે. મતદાતાઓને નિઃશુલ્ક પ્રવાસની સુવિધા પણ મળશે.



Google NewsGoogle News