અમદાવાદ હાઈવે પર કોંક્રિટીકરણ પછી પણ ઠેર ઠેર ખાડાઓ પડી જતાં રોષ
ગુજરાત જતા આવતા લાખો લોકોએ વેઠેલી હાલાકી એળે ગઈ
ભારે આક્રોશ બાદ હાઈવે ઓથોરિટીએ રિપેરિંગ શરુ કર્યું, એપ્રિલના અંત સુધીમાં સમારકામ પૂર્ણ થવાના દાવા
મુંબઈ - મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કોંક્રીટીકરણના કામ દરમિયાન જ રસ્તાને નુકસાન થયું છે અને અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા હોવાનું જોવા મળે છે. આ માટે હવે અંતે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે અને રસ્તા પરના પેનલ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ કોંક્રિટીકરણના કામને કારણે હાઈવે વારંવાર જામ રહેતો હોવાથી ગુજરાત આવતા જતા લાખો વાહનચાલકોએ મહિનાઓના મહિનાઓ સુધી તકલીફો વેઠી હતી. પરંતુ, છેવટે હલ્કી ગુણવત્તાનું કામ થતાં આ તકલીફોનો કોઈ મતલબ જ રહ્યો નથી.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે મુંબઈ, થાણે, વસઈ-વિરાર, મીરા-ભાયંદર, પાલઘર, ગુજરાત અને અન્ય વિસ્તારોને જોડતો મુખ્ય હાઈવે છે. છેલ્લા કેટલાક સમયથી આ હાઈવે પર પાણી ભરાવા, ખાડા, ટ્રાફિક જામ અને અકસ્માતો જેવી વિવિધ સમસ્યાઓ સર્જાઈ રહી હોવાથી સોશિયલ મીડિયા પણ લોકો વારંવાર ફરિયાદો કરતા હોય છે. અહીંથી મુસાફરી કરતા નાગરિકોને તેની અસર થાય છે. ખાસ કરીને વરસાદ વખતે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે હાઇવે ઓથોરિટી દ્વારા ૧૨૧ કિલોમીટર લાંબા રોડને કોંક્રીટના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નવા કામ પછી પણ ખાડાઓ પડતા આશ્ચર્ય..
આ હાઇવે ખાડાયુક્ત રસ્તા અને તેની કથળેલી હાલતના કારણે બદનામ બન્યો હતો. આ કોન્ક્રીટાઈઝેશન દરમિયાન પણ અનેક ઠેકાણે ખાડાઓ હતા. ત્યારે અમુક ભાગમાં ભીના રસ્તાઓ પર વાહન ચલાવવાને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ટાયરના નિશાન બન્યા છે. કેટલીક જગ્યાએ રસ્તાનું લેવલ ઉંચી-નીચી છે. આ રીતે રોડ ક્ષતિગ્રસ્ત હોવાથી મુસાફરી દરમિયાન ટુવીવ્હીલર સવારો નીચે પડી જવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
હાલમાં એ જોવા મળી રહ્યું છે કે નવો કોંક્રીટ રોડ બનાવવાના કારણે વધુ ખાડાઓ પડી રહ્યા છે અને રોડ બિસ્માર હાલતમાં હોવાથી કામ હલકી ગુણવત્તાનું હોવાનો નાગરિકોએ આક્ષેપ કર્યો હતો. આ અંગે પાલઘર કલેક્ટર કાર્યાલયમાં બેઠક યોજવામાં આવી હતી. તે સમયે પણ જિલ્લા કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને રોડનું સારી ગુણવત્તાનું કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
ખાડા પુરવા એજન્સીની નિમણૂક..
હાઈવેના રસ્તાનું કોંક્રીટીંકરણ કર્યા બાદ જે વિસ્તારમાં રોડને નુકસાન થયું છે, તે રોડ પર પેનલ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના માટે એક એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આ વિશે પ્રોજેક્ટ ડાયરેક્ટર સુહાસ ચિટનીસે જણાવ્યું છે કે, જ્યાં કોંક્રીટીંગ વધુ ખરાબ થયું છે ત્યાં રસ્તાઓનું નિરીક્ષણ કર્યા પછી, પેનલો દૂર કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ કામ માર્ચના અંત સુધીમાં પૂર્ણ થશે.
વિશેષ રસાયણોનો ઉપયોગ કરીને સમારકામ..
પેનલ રિપેરિંગની કામગીરી શરૃ કરવામાં આવી છે. જે ભાગને નુકસાન થયું છે. એટલી જ રકમ દૂર કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારના કેમિકલ અને રેતીનું મિશ્રણ તૈયાર કરીને રોડને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહ્યો છે. કામ પૂર્ણ થયા બાદ એકાદ-બે દિવસ બાદ રસ્તો ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે છે.
વિવિધ કારણોસર રસ્તો ખરાબ થયો છે. ત્યાં પેનલ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે.એમ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુહાસ ચિટનીસે જણાવ્યું હતું.
એપ્રિલ ૨૦૨૫ સુધીમાં કામ પૂર્ણ થશે..
હાઇવે સલામતી માટે, વ્હાઇટ ટોપિંગ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૫૬ કિ.મી. મેટલ બીમ ક્રેશ બેરિયર્સ અને ૯ કિ.મી. ન્યૂ જર્સી બેરિયર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. તે પણ કામ ચાલી રહ્યું છે ત્યારે ડાયવર્ઝન બોર્ડ, કોંક્રીટ બેરીયર, રિફ્લેક્ટીવ સ્ટીકરો, બ્લિંકર્સ લગાવવામાં આવ્યા છે. અકસ્માતગ્રસ્ત વિસ્તારો માટે સાઈન બોર્ડ, બ્લિંકર્સ, ટ્રાંસવર્સ બાર માકગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ કામ પર નજર રાખવા માટે એક 'ઓથોરિટી એન્જિનિયર'ની નિમણૂક કરવામાં આવી છે.