મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસમાંથી પુણેમાં 24, મુંબઈમાં 0
2021માં દેખા દીધા બાદ આ વર્ષે સૌથી વધુ કેસ નોંધાયા
મુંબઈમાં વ્યાપક ટેસ્ટિંગના અભાવે જ કોઈ કેસ સરકારી રજિસ્ટર પર નહીં હોવાનું અનુમાનઃ મહાપાલિકાએ હાથ અદ્ધર કર્યા
મુંબઇ : મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષમાં ઝીકા વાયરસના કુલ ૨૮ કેસ નોંધાયા છે. રાજ્યમાં આમ તો ઝીકા વાયરસનો પહેલો કેસ ૨૦૨૧માં નોંધાયો હતો. ત્યારથી અત્યારસુધીમાં આ વરસે આ ચેપી રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે.
મુંબઇ માટે રાહત એ છે કે શહેરમાં ઝીકાનો એક પણ કેસ નથી નોંધાયો.
ૉ આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ચિંતાજનક બાબત તો એ છે કે મહારાષ્ટ્રમાંના ઝીકા વાયરસના નોંધાયેલા કુલ ૨૮માંથી ૨૪ કેસ તો પુણે જિલ્લામાં જ નોંધાયા છે. આ પરિસ્થિતિ ખરેખર બહુ ચિંતાજનક છે. જોકે મુંબઇ જેવા એક કરોડ ૨૦ લાખ જેટલી વસતિ ધરાવતા મહાનગરમાં ઝીકા વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો. મુંબઇમાં કદાચ વ્યાપક તબીબી પરીક્ષણ નહીં થયું હોય તેના કારણે આ બનવાજોગ હોઈ શકે છે.
તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ ઝીકા ચેપી રોગનું સચોટ નિદાન થવું જરૃરી છે. વળી, આ ચેપી રોગ વિશેની બધી માહિતી પણ હોવી જરૃરી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (આઇ.સી.એમ.આર.) તો મહારાષ્ટ્ર સરકારને ઝીકા વાયરસનું પરીક્ષણ વધારવા વિનંતી કરી છે. ખાસ કરીને જે વ્યક્તિઓમાંે અગાઉ ચીકનગુનિયા અને ડેન્ગુ જેવાં લક્ષણો જોવા મળ્યા હતાં તેઓનું પરીક્ષણ કરવું જરૃરી છે. મુંબઇ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એક માત્ર કે.ઇ.એમ. હોસ્પિટલમાં ઝીકા વાયરસનું તબીબી પરીક્ષણ કરવાની સુવિધા છે. આમ છતાં કે.ઇ.એમ. હોસ્પિટલમાં આ ચેપી રોગના પરીક્ષણ માટે એક પણ નમૂનો નથી મળ્યો.
મુંબઇ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર ડો. સુધાકર શિંદેએ એવી સ્પષ્ટતા કરી હતી કે હાલ મુંબઇમાં ચોમાસાના વરસાદી દિવસો હોવાથી શહેરમાં ચેપી રોગના અને મચ્છરો દ્વારા ફેલાતા રોગ ફેલાતા હોય છે. આવા સંજોગોમાં દરેક દરદીનાં તમામ પ્રકારનાં તબીબી પરીક્ષણ કરવાં શક્ય નથી. આમ છતાં કોઇ દરદીમાં ચેપી રોગનાં લક્ષણો જણાય તો અમે તરત જ તેનું જરૃરી પરીક્ષણ કરીએ છીએ. સાથોસાથ, તે દરદીની યોગ્ય સારવાર પણ કરીએ છીએ.
બીજીબાજુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબલ્યુ.એચ.ઓ. --હૂ)નાં સૂત્રોના કહેવા મુજબ કોઇ મહિલાને સગર્ભાવસ્થા દરમિયાન કદાચ પણ ઝીકા વાયરસની અસર થાય તો તેને કસુવાવડ થવાનું અને તેના બાળકનો જન્મ અધૂરા મહિને થવાનું જોખમ રહે છે.ઉપરાંત, તે બાળકના મગજનો વ્યવસ્થિત રીતે વિકાસ નહીં થઇ શક્યો હોવાથી તેના માથાનું કદ પણ નાનું હોય.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલામાં ઝીકા વાયરસનાં લક્ષણો જણાય તો તેનું તબીબી પરીક્ષણ કરવું જરૃરી છે.