પુણેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલી તાલીમાર્થી પાઈલેટનું અંગદાન કરાયું
રાજસ્થાનથી પાયલોટ બનવા આવી હતી
લિવરનું વિભાજન કરી 2 દર્દીઓને પ્રત્યારોપિત કરાયું, કુલ 6ને નવજીવન મળ્યું
મુંબઈ : બારામતીમાં પાઈલેટની તાલીમ લઈ રહેલાં વિદ્યાથીઓની કારનો નવમી ડિસેમ્બરના રોજ ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે શિખાઉ પાઈલેટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તો બે ગંભીર ઘાયલ હતા. તેમાં ગંભીર ઘાયલ થયેલ ૨૧ વર્ષીય ચેષ્ટા બિશ્નોઈ જે પણ તાલીમાર્થી પાઈલેટ હતી. તેનું બુધવારે ૧૮મીએ પુણે શહેરની ખાનગી હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ પણ જતાં જતાં તેણે છ જણને નવું જીવન આપ્યું હોવાની માહિતી પુણે વિભાગીય પ્રત્યારોપણ સમન્વય સમિતીએ આપી છે.
કેટલાંક લોકો મૃત્યુ બાદ પણ અનેકોને જીવનદાન આપી જતાં હોય છે. તેવો જ એક કિસ્સો પુણેમાં બન્યો છે. રાજસ્થાનના જેસલમેર પોખરણના ખેતોલાઈ ગામમાં રહેતી અને બારામતીમાં પાઈલેટ બનવાનું સ્વપ્ન લઈને આવેલી ૨૧ વર્ષીય ચેષ્ટાનો નવમી ડિસેમ્બરે અકસ્માત થયો. તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી ખાનગી હૉસ્પિટલમાં તેની સારવાર કરાવાઈ રહી હતી. પરંતુ સારવાર નિષ્ફળ ગઈ. ત્યારબાદ તેના પરિવારજનોએ તેના અવયવદાનનો નિર્ણય લીધો અને તેમાંથી છ જણને જીવનદાન મળ્યું છે. તેણે પાંચ અવયવ અને લિવરનું દાન કર્યું છે.
ડૉક્ટરે બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેના અવયવ પ્રત્યારોપણનો નિર્ણય લેવાયો. તેના ત્રણ અવયવ રુબી હૉલ ક્લિનીકમાં અપાયા તો બે અંગ ડી.વાય.પાટીલ હૉસ્પિટલમાં અપાયા. લિવરનું વિભાજન કરી બે વ્યક્તિમાં પ્રત્યારોપિત કરાયું છે. તેમજ પ્રત્યારોપિત કરાયેલ તમામ દર્દીની તબિયત સ્વસ્થ હોવાની માહિતી પણ મળી છે.