બીમારીને લીધે કમાઈ નહીં શકતા પતિને ભરણપોષણ આપવા પત્નીને આદેશ
પતિને માસિક 10 હજાર ભરણપોષણનો આદેશ હાઈકોર્ટે બહાલ રાખ્યો
હિન્દુ મેરેજ એક્ટ હેઠળ 'જીવનસાથી'શબ્દ છે જેમાં વળતર આપનારામાં પતિ અને પત્ની બંનેનો સમાવેશ છે
મુંબઈ : બીમારીને કારણે આજીવિકા રળી નહીં શકતા પતિને માસિક રૃ. ૧૦ હજારનું ભરણપોષણ આપવા બોમ્બે હાઈ કોર્ટે નોકરિયાત મહિલાને આદેશ આપ્યો છે. ન્યા. શર્મિલા દેશમુખે બીજી એપ્રિલે આપેલા આદેશમાં નોધ કરી હતી કે હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈમાં સ્પાઉસ (જીવનસાથી) શબ્દ વાપર્યો છે અને તેમાં પતિ અને પત્ની બંનેનો સમાવેશ થાય છે.
હાઈ કોર્ટે આદેશમાં નોંધ કરી હતી કે ભૂતપૂર્વ પતિ બીમારીને લીધે કમાઈ શકે તેવી સ્થિતિમાં નહોવાની વાતનો મહિલાએ વિરોધ કર્યો નથી. પતિ કમાઈ શકે તેમ નહોય તો આવકના સ્રોત ધરાવતી પત્ની તેને વચગાળાનું ભરણપોષણ આપવા જવાબદાર છે, એમ હાઈ કોર્ટે જણાવ્યુંહતું. ભૂતપૂર્વ પતિને માસિક રૃ. ૧૦ હજારનું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપતા સિવિલ કોર્ટના આદેશને પડકારતી મહિલાની અરજીને કોર્ટે ફગાવી હતી.
ફેમિલી કોર્ટે પણ દંપતીને છૂટા છેડા મંજૂર કરતી વખતે બેન્ક મેનેજર તરીકે કામ કરતી પત્ની પાસેથી માસિક ભરણપોષણની પતિની અરજીને માન્ય કરી હતી.
મહિલાએ હાઈકોર્ટમાં પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પોતે ભરણપોષણ આપવા આર્થિક રીતે સજ્જ નથી કેમ કે તેના પર ઘરની લોન ભરવાની તેમ જ બાળકનું ભરણપોષણ કરવાની પણ જવાબદારી છે. મહિલાએ દાવો કર્યો હતો કે ૨૦૧૯માં તેણે નોકરીમાંથી રાજીનામું આપ્યું છે અને નીચલી કોર્ટે આદેશ આપ્યો તે વખતે તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું.
હાઈકોર્ટે જોકે નોંધ કરી હતી કે જો નોકરી છૂટી ગઈ હોય તો મહિલા માટે એ જણાવવું જરૃરી છે કે તે પોતાના અને બાળકના ખર્ચ કેવી રીતે કાઢે છે. કોર્ટે નોંધ કરી હતી કે હાલ મહિલાએ પોતે નોકરી કરી રહી છે એ વાતનો વિરોધ કર્યો નથી.
ભૂતપૂર્વ પતિએ અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે મહિલાએ પોતાને નોકરી નથી એ દર્શાવતા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા નથી. તબીબી બીમારીને કારણે પોત કમાઈ શકે તેમ નથી.